Get The App

અનામતનો લાભ લીધા પછી જનરલ બેઠક મેળવવાનો હક નહીં : સુપ્રીમ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
અનામતનો લાભ લીધા પછી જનરલ બેઠક મેળવવાનો હક નહીં : સુપ્રીમ 1 - image

- ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષાના એક કેસમાં અનામત મુદ્દે મહત્ત્વનો ચુકાદો 

- એસસી ઉમેદવારે જનરલ ઉમેદવાર કરતા વધુ રેન્ક મેળવતા જનરલ સીટની નોકરી આપવા માગ કરી હતી 

નવી દિલ્હી : નોકરીઓમાં અનામતને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઇ સરકારી નોકરીની પરીક્ષામાં પ્રાથમિક સ્ટેજમાં અનામત કેટેગરીનો લાભ લઇ લીધો હોય પછી આ જ નોકરીમાં અંતિમ  સ્ટેજ સુધી અનામતમાં જ રહેવુ પડે. એટલે કે એક વખત અનામતનો લાભ લઇ પરીક્ષા પાસ કરી લીધી હોય પછી તે અનામતના ઉમેદવારને જનરલ બેઠકમાં સામેલ ના કરી શકાય. 

ભારતીય વન સેવા (ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે. કે. મહેશ્વરી અને ન્યાયાધીશ વિજય બિશ્નોઇની બેંચે અનામતના લાભ અંગે સ્પષ્ટતા કરી હતી. બેંચે કહ્યું હતું કે એક વખત અનામત કેટેગરીનો લાભ લઇ લીધો હોય પછી તે ઉમેદવારને બિનઅનામત સીટના ઉમેદવાર તરીકે ના લઇ શકાય. કર્ણાટક હાઇકોર્ટના ચુકાદા સામે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી અપીલને સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી હતી. હાઇકોર્ટે એસસી કેટેગરીના ઉમેદવારને બિનઅનામત કેટેગરીમાં સામેલ થવાની છૂટ આપી હતી કેમ કે અનામતના ઉમેદવારે જનરલ કેટેગરીના ઉમેદવાર કરતા સૌથી વધુ ફાઇનલ રેન્ક મેળવ્યો હતો. આ ચુકાદા સામે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેનો હાલ સ્વીકાર કરવામાં આવ્યો છે. ૨૦૧૩માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઇએફએસ)ની પરીક્ષા બે ભાગોમાં લેવામાં આવી હતી, જેમાં પ્રાથમિક અને ઇન્ટરવ્યૂ સાથે મુખ્ય પરીક્ષાનો સમાવેશ થાય છે. પ્રાથમિક (પ્રિલિમ્સ)માં જનરલ  કેટેગરી માટે કટ ઓફ ૨૬૭ માર્ક્સ હતા જ્યારે એસસી કેટેગરી માટે  કટ ઓફ ૨૩૩ માર્ક્સ હતા. એવામાં એસસી કેટેગરીના એક ઉમેદવાર તરીકે જી કિરણને ૨૪૭.૧૮ માર્ક્સ સાથે ક્વોલિફાઇ કરવામાં આવ્યો હતો. તે પરીક્ષામાં પાસ થયો હતો.  જ્યારે જનરલ કેટેગરીના એન્ટની એસ. મરિયપ્પાને જનરલ કટઓફમાં ૨૭૦.૬૮ માર્ક્સ સાથે ક્વોલિફાઇ કરાયો હતો. જોકે મુખ્ય પરીક્ષા બાદ અંતિમ મેરિટ બહાર પડાયું તેમાં કિરણે બાજી મારી અને એસસી કેટેગરીના કિરણે ૧૯મો ક્રમ જ્યારે જનરલના એન્ટનીએ ૩૭મો ક્રમ મેળવ્યો હતો. જ્યારે કેડરની ફાળવણી કરવામાં આવી ત્યારે કર્ણાટકમાં માત્ર એક જ જનરલ આંતરિક નોકરી ખાલી હતી એસસી આંતરિક નોકરી નહોતી. 

કેન્દ્ર સરકારે બાદમાં જનરલ કેટેગરીના ઉમેદવારને કર્ણાટકમાં આ પોસ્ટ આપી દીધી હતી. જ્યારે કિરણને તમિલનાડુમાં નોકરી આપવામાં આવી હતી. બાદમાં અનામત કેટેગરીના કિરણે કેન્દ્ર સરકારના આ નિર્ણયને સીએટી (કેટ) અને હાઇકોર્ટ બન્નેમાં પડકાર્યા હતા, બન્નેમાં તેની જીત થઇ હતી અને ચુકાદામાં એવી નોંધ કરાઇ હતી કે કિરણે અંતિમ મેરિટમાં અગ્રીમ ક્રમ મેળવ્યો હોવાથી તેને આ તક મળવી જોઇએ.  બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટતા કરી હતી કે કેમ કે બે સ્ટેજમાં પરીક્ષામાં લેવામાં આવી હતી એવામાં પ્રથમ સ્ટેજમાં જો અનામતનો લાભ લેવાયો હોય તો તે લાભને બીજા સ્ટેજમાં ધ્યાન બહાર ના રાખી શકાય. તેની પણ નોંધ લેવી પડે. અંતે કર્ણાટકની સીટ જનરલ કેટેગરીના ઉમેદવારને ફાળવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો.