મહારાષ્ટ્રમાં શૉકિંગ ઘટના: ચાલતી બસમાં મહિલાની ડિલિવરી, નવજાતને બારીમાંથી ફેંકી દીધું
Image: AI Gemini, File Photo |
Maharashtra Woman Delivers Baby On Moving Bus: મહારાષ્ટ્રના પરભણીમાં રૂવાડાં ઊભા કરી દે તેવો કિસ્સો બન્યો છે. એક દંપતિએ બસમાં જ જન્મેલા પોતાના નવજાત બાળકને ચાલુ બસમાંથી ફેંકી દીધું હતું. જેના લીધે નવજાતનું મોત નીપજ્યું હતું. દંપતિના આ કૃત્યની જાણ એક જાગૃત નાગરિકના કારણે થઈ હતી. આ દરમિયાન તેણે જોયું કે, બસમાંથી એક કપડાંમાં લપેટીને કોઈ ચીજ બહાર ફેંકવામાં આવી છે. તો તેણે નજીક જઈને જોયું, તો તેમાં નવજાત શિશુ હતું.
બસમાં જ જન્મ આપ્યો
એક 19 વર્ષીય યુવતીએ ચાલુ સ્લીપર કોચ બસમાં એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ તેણે અને તેના પતિ હોવાનો દાવો કરતાં વ્યક્તિએ નવજાત બાળકને એકાએક બસની બારીમાંથી બહાર ફેંકી દીધુ હતું. જેથી નવજાતનું મોત નીપજ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સવારે 6.30 વાગ્યે પાથરી-સેલુ રોડ પર બની હતી. સતર્ક નાગરિકે પોલીસને જાણકારી આપી હતી કે, બસમાંથી કપડાંમાં લપેટી કોઈ ચીજ બહાર ફેંકવામાં આવી હતી, જેમાં નવજાત શિશુ હતું.
બસ ડ્રાઈવરને દંપતિએ ખોટુ કહ્યું
રિતિકા ઢેરે નામની એક મહિલા સંતપ્રયાગ ટ્રાવેલ્સની સ્લિપર કોચ બસમાં અલ્તાફ શેખ (જે તેનો પતિ હોવાનો દાવો કરતો હતો) સાથે પુણેથી પરભણી જઈ રહી હતી, તે દરમિયાન ગર્ભવતી રિતિકાને પ્રસવ પીડા થઈ હતી. તેણે એક ચાલુ બસમાં જ એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ દંપતિએ બાળકને તુરંત કપડામાં લપેટી બસની બહાર ફેંકી દીધું હતું. બસ ડ્રાઈવરે પણ જોયું હતું કે, બસની બારીમાંથી કપડાં લપેટાઈને કંઈક બહાર ફેંકવામાં આવ્યું છે. તેણે પૂછપરછ કરતાં દંપતિએ ઉલટી થઈ હોવાથી કપડું બહાર ફેંક્યું હોવાનું જણાવ્યું હતું. જો કે, તે જ સમયે રસ્તા પર સવાર એક જાગૃત નાગરિક બસની બારીમાંથી નવજાતને બહાર ફેંકવામાં આવ્યું હોવાનું જોતાં ચોંકી ઉઠ્યો હતો. તેણે તુરંત પોલીસને જાણ કરી આ અંગે સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
પોલીસે બસનો પીછો કર્યો
પોલીસની એક ટીમ પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે લકઝરી બસનો પીછો કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, વાહનનું નિરિક્ષણ કર્યા અને પ્રારંભિક તપાસ બાદ મહિલા અને શેખની અટકાયત કરવામાં આવી હતી. બંને જણ પતિ-પત્ની હોવાનો દાવો કરી રહ્યા હતાં. તેમની પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે, તેમણે નવજાતને એટલા માટે ફેંકી દીધુ કારણકે, તેઓ તેનું પાલન-પોષણ કરી શકે તેમ નથી. રસ્તા પર નવજાતને ફેંકી દેતાં તેનું મોત થયુ હતું. પોલીસને શંકા છે કે, આ બંને પતિ-પત્ની નથી. તેમના જણાવ્યા પ્રમાણે, બંને દોઢ વર્ષથી પુણેમાં રહેતાં હતાં. પોલીસે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરી હતી. પરભણીના પાથરી પોલીસ સ્ટેશનમાં દંપતિ વિરૂદ્ધ BNS સેક્શન 94 (3), (5) (શબને ગુપ્ત રૂપે છૂપાવવાની કલમ) હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.