અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગનું ઑરેન્જ ઍલર્ટ
IMD Rain Forecast: ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થવા જઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદ માટે 'ઑરેન્જ ઍલર્ટ' જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં 'યલો ઍલર્ટ' જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને પગલે સ્થાનિક તંત્રને ઍલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
24 કલાક 62 તાલુકામાં વરસાદ
ગત 24 કલાકમાં રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહીસાગરના કડાણામાં સાડાત્રણ ઇંચ, પાલનપુરમાં અઢી ઇંચ, નવસારીના વાંસદા અને મહીસાગરના લુણાવાડામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે અન્ય તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર , વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
15 જિલ્લામાં યલો ઍલર્ટ
બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને નર્મદા સહિત 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હજુ 39 બ્રિજ પડું પડું, 97 પુલ પર વાહનવ્યવહાર બંધ, દુર્ઘટના બાદ સરકારને સુઝ્યું
સિઝનનો સરેરાશ 51 ટકા વરસાદ
ગુજરાતમાં આ વખતે અત્યાર સુધી 17 ઇંચ સાથે સિઝનનો 51 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે 15 જુલાઈ સુધી સરેરાશ 10 ઇંચ સાથે 30 ટકા વરસાદ નોંધાયો હતો.
કચ્છમાં સૌથી વધુ 58.46 ટકા
સિઝનમાં અત્યારસુધી પડેલો વરસાદ તાલુકા પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 6.65 ઇંચ સાથે સિઝનનો 58.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.40 ઇંચ સાથે સિઝનનો 47.38 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 15.50 ઇંચ સાથે 48.85 ટકા, સૌરાષ્ટ્રમાં 14.50 ઇંચ સાથે 50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 32.20 ઇંચ સાથે 55 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતના જળાશયોની સ્થિતિ
ગુજરાતમાં હાલ 25 જળાશયો 100 ટકા, 57 જળાશયો 70 ટકાથી 100 ટકા, 42 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા છે જ્યારે 40 જળાશયો 25 ટકાથી નીચે ભરાયેલા છે. હાલ 39 જળાશયો હાઇ ઍલર્ટમાં છે. હાલ 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 59.16 ટકા છે.