Get The App

મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશનથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશનથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન 1 - image


Gujarati Language Controversy In Maharashtra : મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષા મુદ્દે ફરી વિવાદ ઊભો થયો છે. પાલઘર શહેરમાં ગુજરાતી ભાષામાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને શિવસેના UBTએ આ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતાં આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્ર પર ગુજરાતી ભાષા થોપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

પાલઘર જિલ્લા કલેક્ટરે 19 અને 20 જાન્યુઆરીએ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) દ્વારા આયોજિત મોરચાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પ્રતિબંધ અંગેનો એક આદેશ જારી કર્યો છે. આ આદેશ મૂળ મરાઠીમાં જ હતો, પરંતુ હાઇવે પર ગુજરાતથી આવતા વાહનચાલકોની સુવિધા માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી સરહદી વિસ્તારોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ ગુજરાતી નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિવાદ શરુ થઈ ગયો છે.

મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશનથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન 2 - image

પાલઘરથી ગુજરાતી થોપવાનું શરુ : કોંગ્રેસના પ્રહાર

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે (Vijay Vadettiwar) કહ્યું છે કે, ‘આ તો માત્ર શરુઆત છે. પાલઘરથી ગુજરાતી થોપવાનું શરુ થઈ ગયું છે. જો મુંબઈમાં પણ ભાજપનો મેયર આવશે તો શહેર કોના ઇશારે ચાલશે તે સ્પષ્ટ થઈ જશે.’

જ્યારે કોંગ્રેસ નેતા નાના પટોલે(Nana Patole)એ આક્ષેપ કર્યો છે કે, ‘મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું કાવતરું રચાઈ રહ્યું છે.’

સંજય રાઉતે CM ફડણવીસ પર સાધ્યું નિશાન

શિવેસના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis) પાસે સ્પષ્ટતા માંગતા સવાલ કર્યો કે, ‘શું પાલઘર મહારાષ્ટ્રનો ભાગ છે કે પછી બુલેટ ટ્રેન અને વધવણ બંદરના બહાને તેને પાડોશી રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યું છે?’

આ પણ વાંચો : ચૂંટણી પાછળ કયાં પક્ષે કેટલા રૂપિયા ખર્ચ્યા, કયા પક્ષની વધી આવક, જુઓ ડેટા

આદેશ જાહેર કરનાર તંત્રએ શું કહ્યું?

પાલઘર જિલ્લા કલેક્ટર કચેરીના વરિષ્ઠ અધિકારીઓએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ‘મરાઠી ભાષાનું અપમાન કરવાનો કોઈ ઇરાદો નહોતો. મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગુજરાતથી આવતા વાહનચાલકોની સંખ્યા વધુ હોય છે, તેમને ટ્રાફિક ડાયવર્ઝનની સમજ પડે તે માટે જ સરહદી ગામોમાં ગુજરાતી અનુવાદના બેનર મૂકવામાં આવ્યા છે. મૂળ વહીવટી આદેશ તો મરાઠી ભાષામાં જ જારી કરવામાં આવ્યો છે.’

આ પણ વાંચો : આસામના કોકરાઝારમાં હિંસા-આગચંપી-તોડફોડ, ઈન્ટરનેટ બંધ, જુઓ VIDEO