Maharashtra Municipal Corporation: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓને મોટો ઝટકો લાગ્યો છે. બંને પક્ષના ઘણા નેતાઓ કેસરિયા કરી ભાજપમાં ભળી ગયા છે. જેમાં MNSના પૂર્વ ધારાસભ્ય નીતિન ભોંસલે, શિવસેના (UBT)ના પૂર્વ મેયર વિનાયક પાંડે, MNSના પ્રથમ મેયર યતીન વાઘ, તેમજ કોંગ્રેસના નેતાઓ શાહુ ખૈરે અને સંજય ચૌહાણનો સમાવેશ થયા છે.
સૌથી ચોંકાવનારું નામ
કમળનો ખેસ ધારણ કરનારા અનેક નેતાઓમાંથી સૌથી ચોંકાવનારું નામ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રાજ્ય મહાસચિવ દિનકર પાટીલ હતું. તેઓ એક દિવસ પહેલા જ રાજ ઠાકરેની પાર્ટી અને શિવસેના (UBT) વચ્ચેના ગઠબંધનની ઉજવણીમાં સામેલ હતા. તેઓ પોતાના દીકરા અને પૂર્વ કાઉન્સિલર પત્ની લતા પાટીલ સાથે ભાજપ મંત્રી ગિરીશ મહાજનની હાજરીમાં ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. આ અંગે મહાજને કહ્યું કે 'લોકો એટલા માટે જોડાઈ રહ્યા છે કારણ કે તેઓ ભાજપની વિચારધારામાં વિશ્વાસ રાખે છે, 122 સભ્યોની નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 100થી વધુ બેઠકો ભાજપ જીતશે.'
નાસિક ભાજપમાં વિરોધનું વંટોળ
બીજી તરફ ભાજપના નાસિક સેન્ટ્રલના ધારાસભ્ય દેવયાની ફરાંડેએ વિનાયક પાંડે, યતિન વાઘ અને શાહુ ખૈરને પાર્ટીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો. તેમના સમર્થકો અને પાર્ટીના અન્ય વફાદાર કાર્યકરોએ પાર્ટી કાર્યાલય પર વિરોધ વ્યક્ત કર્યો હતો. ફરાંડેએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, "હું આજે વોર્ડ નંબર 13માં અમુક લોકોને સામેલ કરવાનો સ્પષ્ટપણે વિરોધ કરું છું. સ્થાપિત પક્ષો સામે લડતા હિન્દુત્વ પક્ષના કાર્યકરોને મારુ મજબૂત સમર્થન છે, હું અહીં ચૂંટણી પ્રમુખ છું પણ આ મુદ્દે મારી સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી, જય શ્રી રામ!
15 જાન્યુઆરીએ મતદાન, બીજા દિવસે મતગણતરી
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે અને બીજા દિવસે 16 જાન્યુઆરીએ મતગણતરી થશે. જે માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 23 ડિસેમ્બરે શરૂ થઈ ગઈ છે અને 30 ડિસેમ્બરે સમાપ્ત થશે.
મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં મહાયુતિની જીતની અસર
મહારાષ્ટ્રની 228 નગર પરિષદો અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી(અજિત પવાર જૂથ)ની મહાયુતિએ 22 ડિસેમ્બરે જોરદાર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં મહાયુતિએ 207 અધ્યક્ષ પદ જીત્યા હતા, જ્યારે ભાજપ એકલા હાથે 117 બેઠક પર જીત હાંસલ કરીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. આ ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપી (શરદ પવાર જૂથ)નું મહાવિકાસ અઘાડી ગઠબંધન માંડ 44 બેઠક જીત્યું હતું.
બીએમસીની છેલ્લી ચૂંટણીમાં શિવસેના-ભાજપની ટક્કર
આ પહેલા બીએમસીની છેલ્લી ચૂંટણી 2017માં થઈ હતી. એ વખતે 227 બેઠકો પૈકી શિવસેનાએ સૌથી વધુ 84 અને ભાજપે 82 બેઠક પર જીત હાંસલ કરી હતી. તો કોંગ્રેસે 31 અને મનસેએ ફક્ત 7 બેઠક જીતી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર, બીએમસની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સંમતિ સધાઈ ગઈ છે. એવું કહેવાય છે કે, બીએમસીની કુલ 227 બેઠક છે, જે પૈકી શિવસેના (ઉદ્ધવ જૂથ) 145-150 અને રાજ ઠાકરેની મનસે 65-70 બેઠક ચૂંટણી લડી શકે છે. હાલમાં જ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપીના ગઠબંધન હેઠળની મહાયુતિ સામે કારમા પરાજયનો સામનો કર્યા બાદ ઠાકરે બંધુઓએ એક થવાનો નિર્ણય કર્યો હતો.


