Get The App

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે...

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે... 1 - image


Maharastra BMC Election : બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણી આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય છે. આ ચૂંટણીમાં 20 વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જોવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાજ ઠાકરે(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ જાહેર કર્યું છે કે, હવે તેઓ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે. આ જાહેરાત પહેલા પરિવારજનોએ બંને ભાઈની એકસાથે આરતી ઉતારીને શુભેચ્છાઓ આપી હતી. આ દરમિયાન મુંબઈમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, બંને પક્ષે બીએમસીની કુલ 227 બેઠકની વહેંચણી પર પણ આખરી મહોર મારી દીધી છે.

અમારી વિચારધારા એક જ છેઃ ઉદ્ધવ ઠાકરે 

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રનું નેતૃત્વ ફક્ત ઠાકરે જ કરી શકે. મહારાષ્ટ્રના આંદોલનમાં 107 લોકોના મોત થયા હતા. તે આંદોલનની આગેવાની અમારા દાદાએ કરી હતી. મારા અને રાજ ઠાકરેના પિતા પણ તે આંદોલનમાં સામેલ હતા. મરાઠીઓના અધિકાર માટે શિવસેનાની સ્થાપના થઈ હતી. અમે દિલ્હીમાં બેઠેલા લોકોને રોકવા સાથે આવ્યા છીએ. અમારી વિચારધારા એક જ છે. અમને મરાઠીઓના બલિદાન યાદ છે. આ વખતે અમારે તૂટવાનું નથી. જો એવું થયું તો તે બલિદાનોનું અપમાન ગણાશે. 

મુંબઈ અમારા ઝઘડાથી મોટું છેઃ રાજ ઠાકરે 

આ દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું કે, મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે. આજે અમે બંને ભાઈ સાથે છીએ. સીટોની વહેંચણી પણ મહત્ત્વની નથી. મુંબઈનો મેયર મરાઠી હશે અને તે અમારો હશે. 

મહાયુતિ સામે કારમી હાર બાદ એક મંચ પર 

સૂત્રોના જણાવ્યાનુસાર, બીએમસની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સંમતિ સધાઈ ગઈ છે. એવું કહેવાય છે કે, બીએમસીની કુલ 227 બેઠક છે, જે પૈકી શિવસેના (ઉદ્ધવ જૂથ) 145-150 અને રાજ ઠાકરેની મનસે 65-70 બેઠક ચૂંટણી લડી શકે છે. હાલમાં જ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપીના ગઠબંધન હેઠળની મહાયુતિ સામે કારમા પરાજયનો સામનો કર્યા બાદ ઠાકરે બંધુઓએ એક થવાનો નિર્ણય કર્યો હતો.  

ઉદ્ધવ ઠાકરેની શિવેસના ગત બીએમસી ચૂંટણીમાં જીતેલી 84 પૈકી 12-15 બેઠક મનસેને આપવા તૈયાર હતી, પરંતુ કેટલીક પ્રતિષ્ઠાભરી બેઠકો પર કોયડો ગૂંચવાયો હતો, જે હવે ઉકેલાઈ ગયો હોવાનું મનાય છે.

કેવી રીતે એક થયા ઠાકરે બંધુઓ? 

આ ગઠબંધન પાછળ લાંબી ચર્ચાનો દોર ચાલ્યો હતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉત રાજ ઠાકરેના નિવાસસ્થાન 'શિવતીર્થ' જઈને મળ્યા હતા. આ બેઠક પછી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ પણ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન 'માતોશ્રી' પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક થવાના નિર્ણય પર અંતિમ મહોર મારી હતી. 

નોંધનીય છે કે, આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મંચ પર ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત ઠાકરે પણ હાજર હતા. 

મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં મહાયુતિની જીતની અસર

મહારાષ્ટ્રની 228 નગર પરિષદો અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી(અજિત પવાર જૂથ)ની મહાયુતિએ 22 ડિસેમ્બરે જોરદાર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં મહાયુતિએ 207 અધ્યક્ષ પદ જીત્યા હતા, જ્યારે ભાજપ એકલા હાથે 117 બેઠક પર જીત હાંસલ કરીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. આ ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપી (શરદ પવાર જૂથ)નું મહાવિકાસ અઘાડી ગઠબંધન માંડ 44 બેઠક જીત્યું હતું.

બીએમસીની છેલ્લી ચૂંટણીમાં શિવસેના-ભાજપની ટક્કર

આ પહેલા બીએમસીની છેલ્લી ચૂંટણી 2017માં થઈ હતી. એ વખતે 227 બેઠકો પૈકી શિવસેનાએ સૌથી વધુ 84 અને ભાજપે 82 બેઠક પર જીત હાંસલ કરી હતી. તો કોંગ્રેસે 31 અને મનસેએ ફક્ત 7 બેઠક જીતી હતી.

Tags :