વિધાનસભામાં બેસીને 'રમી' રમવાનું મહારાષ્ટ્રના મંત્રીને 'ઈનામ', કૃષિ મંત્રાલય છીનવી રમતગમત મંત્રી બનાવ્યાં!
Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર દરમિયાન રમી રમવાના આરોપોનો સામનો કરી રહેલા મંત્રી માણિકરાવ કોકાટેની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારે તેમની પાસેથી કૃષિ વિભાગ પાછો ખેંચી લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD)ના જાહેરનામા અનુસાર, વર્તમાન રમતગમત મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર જૂથ) નેતા દત્તાત્રેય ભરણેને તેમના સ્થાને નવા કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે માણિકરાવ કોકાટેને રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તે લઘુમતી વિકાસ અને ઓકાફ વિભાગોનો પણ હવાલો સંભાળશે.
રમી વિવાદ કેવી રીતે શરૂ થયો
અહેવાલો અનુસાર, રવિવારે (27મી જુલાઈ) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કર્યો, જેમાં માણિકરાવ કોકાટે વિધાન પરિષદમાં મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. બીજા દિવસે ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ બે વીડિયો પોસ્ટ કર્યા અને દાવો કર્યો કે માણિકરાવ કોકાટે મોબાઈલમાં 'રમી' ગેમ રમી રહ્યા છે. ત્યારબાદ વિપક્ષે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જો કે, માણિકરાવ કોકાટેએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, 'મને રમી રમતા આવજતું જ નથી. આ મને બદનામ કરવાનું કાવતરું છે.'
સુપ્રિયા સુલે અને અન્ય નેતાઓએ માણિકરાવ કોકાટેનું રાજીનામું માંગ્યું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયો શેર રોહિત પવારે ભાજપ અને NCP (અજીત જૂથ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે, 'રાજ્યમાં દરરોજ આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, કૃષિ સંબંધિત ઘણાં ગંભીર મુદ્દાઓ પેન્ડિંગ છે, પરંતુ કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી, તેથી તેઓ રમી રમી રહ્યા છે. NCP શાસક જૂથ ભાજપને પૂછ્યા વિના કોઈ નિર્ણય લઈ શકતું નથી.' આ સાથે તેમણે કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેના રાજીનામાની માંગણી કરી હતી.
આ પણ વાંચો: દક્ષિણ ભારતમાં NDAને ઝટકો, ચૂંટણી પહેલા જ તમિલનાડુમાં કદાવર નેતાએ સાથ છોડ્યો
બીજી તરફ સુપ્રિયા સુલે સહિત અન્ય નેતાઓએ પણ માણિકરાવ કોકાટેની ટીકા કરી હતી અને રાજીનામાની માંગણી કરી હતી. સુપ્રિયા સુલે કહ્યું હતું કે, 'રમી રમવાનો વીડિયો અને અન્ય ઘણી ઘટનાઓએ રાષ્ટ્રીય સ્તરે મહારાષ્ટ્રને બદનામ કર્યું છે. સંસદમાં દરેક વ્યક્તિ આ કાર્ડ પ્લેઇંગ કેસ વિશે પૂછી રહ્યો હતો. કોકાટેએ નૈતિક ધોરણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈતું હતું, પરંતુ આ લોકોને રાજીનામું આપવાનું કહેવું પડશે. જ્યાં સુધી દિલ્હીથી હસ્તક્ષેપ ન થાય ત્યાં સુધી કોઈ રાજીનામું આપતું નથી.'
અગાઉ પણ માણિકરાવ કોકાટે વિવાદોથી ઘેરાયેલો હતો
ઉલ્લેખનીય છે કે, માણિકરાવ કોકાટે ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યા છે. વર્ષ 1995નો હાઉસિંગ છેતરપિંડીનો કેસ (જે હાલમાં મુલતવી રાખવામાં આવ્યો છે) અને એક નિવેદન જેમાં તેમણે ખેડૂતોની તુલના ભિખારીઓ સાથે કરી હતી. આ ઘટનાઓને કારણે, સરકારની સતત ટીકા થઈ રહી હતી.