Get The App

દક્ષિણ ભારતમાં NDAને ઝટકો, ચૂંટણી પહેલા જ તમિલનાડુમાં કદાવર નેતાએ સાથ છોડ્યો

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
દક્ષિણ ભારતમાં NDAને ઝટકો, ચૂંટણી પહેલા જ તમિલનાડુમાં કદાવર નેતાએ સાથ છોડ્યો 1 - image


OPS and BJP : ભાજપ માટે રાજકીય રીતે મહત્ત્વના દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આજકાલ ભારે રાજકીય ગરમાવો છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને AIADMKમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા ઓ. પન્નીરસેલ્વમે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)થી અલગ થવાની જાહેરાત કરી છે. આ પહેલા તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના પ્રમુખ એમ.કે. સ્ટાલિનને મોર્નિંગ વોક દરમિયાન મળ્યા હતા. આ મુલાકાતના ગણતરીના કલાકોમાં જ તેમણે આ જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, તમિલનાડુમાં જયલલિતાના મૃત્યુ પછી એઆઈએડીએમકે બે હિસ્સામાં વહેંચાઈ ગયો હતો, જે પૈકી એઆઈએડીએમકે કેડર્સ રાઈટ્સ રિટ્રીવલ કમિટીના વડા પન્નીરસેલવમ હતા.


પીએમ મોદીને લખ્યો હતો પત્ર 

આ નિર્ણય પહેલાં પન્નીરસેલવમે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમની તાજેતરની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ‘તમને મળવું મારા માટે 'ગર્વની વાત' હશે.’ આમ કહીને તેમણે વડાપ્રધાન મોદી સાથે ઔપચારિક મુલાકાતનો પણ સમય માંગ્યો હતો. 

પણ સમય ન આપ્યો પીએમ મોદીએ 

જો કે, પન્નીરસેલવમને મુલાકાતનો સમય અપાયો ન હતો. આ અવગણના પછી તેમણે સર્વ શિક્ષા અભિયાનના ભંડોળના વિતરણમાં વિલંબ માટે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની જાહેરમાં ટીકા કરી હતી. આ ઘટનાક્રમને હવે એક વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે. જેના કારણે પન્નીરસેલવમ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત થયા હોવાનું કહેવાય છે.  

ભવિષ્યની રણનીતિ જાહેર કરાઇ 

આ જાહેરાત પૂર્વ મંત્રી અને પન્નીરસેલવમના લાંબા સમયથી વિશ્વાસુ, પનરુતિ એસ. રામચંદ્રન દ્વારા કરાઈ હતી. તેમણે પુષ્ટિ આપી કે તેમનો પક્ષ ભાજપની આગેવાની હેઠળના NDA સાથેનું જોડાણ તોડી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે NDA સાથેનું જોડાણ તોડી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે ‘પન્નીરસેલવમ ટૂંક સમયમાં 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ કરશે. હાલમાં કોઈપણ પક્ષ સાથે અમારું જોડાણ નથી. ભવિષ્યમાં ચૂંટણી નજીક આવે ત્યારે, અમે જોડાણ અંગે નિર્ણય લઈશું.’

Tags :