રાજ ઠાકરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે? જુઓ ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું
Maharashtra Political News : શું મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે? શું રાજ ઠાકરે ઈન્ડિ ગઠબંધનની બેઠકમાં સામેલ થશે? આ પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહત્ત્વની ટિપ્પણી કરી છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે નિવેદન પર નિશાન સાધ્યું છે, જેમાં તેમણે ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિતની વાત કહી હતી.
બાલાસાહેબ પર બંદૂક ચલાવાઈ, નક્સલી કહેવાયા : ઠાકરે
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે, ‘બે-ત્રણ વર્ષ દરમિયાન દિલ્હી જવા માંગતા ખેડૂતોને અટકાવવામાં આવ્યા, કેટલાક ગરીબ ખેડૂતોના મોત થયા, ત્યારે સરકારને તેમની યાદ ન આવી અને હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ફરી ખેડૂતોની યાદ આવવા લાગી છે.’ તેમણે આક્ષેપ કર્યો કે, જ્યારે મારા પિતા બાલાસાહેબ ઠાકરે ભૂખ હડતાળ પર હતા, તો તેમને દિલ્હી ન જવા દીધા, તેમના પર બંદૂક ચલાવાઈ, દિવાલો ઉભી કરી દેવાઈ અને તેમને નક્સલી કહેવામાં આવ્યા. જોકે હવે ધીરે ધીરે કેન્દ્ર સરકારના તમામ જુઠ્ઠાણા ઉજાગર થઈ રહ્યા છે અને તેમનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે.’
રાજ ઠાકરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે?
જ્યારે ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવ્યું કે, શું રાજ ઠાકરે (Raj Thackeray) દિલ્હીમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરશે અને ઈન્ડિયા ગઠબંધનની બેઠક (INDIA Alliance Meeting)માં સામેલ થશે? તો તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘બંને ભાઈઓ ઘણા સક્ષમ છે, અમારે જે કરવું હશે તે કરીશું. કોઈ ત્રીજા વ્યક્તિની કોઈ જરૂર નથી.’
વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરુવારે (7 ઓગસ્ટ) કહ્યું કે, ‘ભારત ક્યારે પોતાના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિતો સાથે સમજૂતી નહીં કરે, ભલે આ માટે મારે વ્યક્તિગત કિંમત ચુકાવવી પડે.’ પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ ઝિંક્યો છે અને બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી માલમે તનાતની ચાલી રહી છે.
ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા : મોદી
અમેરિકા ભારતના કૃષિ અને ડેરી માર્કેટમાં પહોંચ વધારવા માંગે છે, પરંતુ ખેડૂતો પર પ્રતિકૂળ અસર પડવાના કારણે ભારત સંમત નથી. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘અમારા માટે ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હું જાણું છું કે, મારે વ્યક્તિગત રીતે મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું.’