ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મોટા સમાચાર: PM મોદી અને નડ્ડા નક્કી કરશે ઉમેદવાર, NDAની બેઠકમાં નિર્ણય
Vice President Election : જગદીપ ધનખડે રાજીનામું આપ્યા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવાર મુદ્દે એનડીએના ટોચના નેતાઓની બેઠક યોજાઈ હતી. આજે (7 ઑગસ્ટ) સંસદ ભવનના પરિસરમાં યોજાયેલી બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે કે, ચૂંટણીમાં કોને ઉમેદવાર બનાવવા તે નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા કરશે.
બેઠકમાં આ નેતાઓ ઉપસ્થિત રહ્યા
સંસદ ભવનમાં યોજાયેલી એનડીએના ફ્લોર લીડર્સની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂ, શિવસેના નેતા શ્રીકાંત શિંદે, મિલિંદ દેવડા, પ્રફુલ્લ પટેલ, ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા, રામ મોહન, લલ્લન સિંહ, અપના દળ(એસ) નેતા અનુપ્રિયા પટેલ અને રામદાસ અઠાવલે સહિતના નેતાઓ સામેલ થયા હતા. શિવસેનાના નેતા એકનાથ શિંદે કોઈપણ શરત વગર પહેલેથી જ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સમર્થન આપી ચૂક્યા છે.
સાંસદોને મતદાન પ્રક્રિયા સમજાવવા પર ભાર મૂકાયો
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. 21 ઑગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ ફરવામાં આવશે અને 9મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. રાજનાથ સિંહની ઑફિસમાં યોજાયેલી બેઠક બાદ રિજિજૂએ કહ્યું કે, ‘કોઈ મત વ્યર્થ ન જાય તે માટે સાંસદોને મતદાન પ્રક્રિયા સમજાવવા માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુપ્ત મતદાન થાય છે અને પાર્ટીઓ દ્વારા વ્હિપ જારી કરવામાં આવે છે, તેથી મતદાનની ટ્રેનિંગ ખૂબ જ મહત્ત્વની હોય છે.