Get The App

મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર BMCની ચૂંટણીમાં મહાયુતિના 68 કાઉન્સિલર જીતી ગયા

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
BMC Election 2026


BMC Election 2026: મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી મહાનગરપાલિકા અને BMCની ચૂંટણીઓ પહેલા જ ભાજપ પ્રેરિત 'મહાયુતિ' ગઠબંધને મોટી લીડ મેળવી લીધી છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં મહાયુતિના કુલ 68 ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

ચૂંટણી પહેલા જ મહાયુતિએ મેળવી રાજકીય મજબૂતી

મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 'મહાયુતિ' ગઠબંધને જોરદાર આગવી સફળતા મેળવી છે. કુલ 68 બેઠકો પર મહાયુતિના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જેમાં ભાજપે સૌથી વધુ 44 બેઠકો સાથે વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યારે એકનાથ શિંદે જૂથની શિવસેનાને 22 અને અજિત પવારની NCPને 2 બેઠકો મળી છે. ખાસ કરીને થાણે જિલ્લાની કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં સૌથી વધુ બેઠકો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પુણે, પિંપરી-ચિંચવડ, પનવેલ, ભિવંડી, ધુલે, જલગાંવ અને અહિલ્યાનગર જેવા મહત્ત્વના શહેરોમાં પણ મહાયુતિનો કેસરીયો લહેરાયો છે, જે આગામી મુખ્ય મતદાન પહેલા ગઠબંધન માટે મજબૂત મનોવૈજ્ઞાનિક સરસાઈ ગણવામાં આવી રહી છે.

પુણેમાં ભાજપનો વિશ્વાસ: 'મેયર અમારો જ હશે'

પુણે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 35માં ભાજપના ઉમેદવાર મંજૂષા નાગપુરે અને શ્રીકાંત જગતાપ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ સફળતાને ભાજપના સુશાસન પર પ્રજાનો વિશ્વાસ ગણાવતા કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પુણેના આગામી મેયર પદ પર ભાજપનો જ ઉમેદવાર આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'અમે કુલ 125 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ, જે પૈકી 2 બેઠકો પર બિનહરીફ જીત મળી ચૂકી છે અને હવે બાકીની 123 બેઠકો જીતવાની છે.'

આ પણ વાંચો: ઈન્દોરમાં જલકાંડ : 3000 હોસ્પિટલમાં,34 આઈસીયુમાં

ઉદ્ધવ જૂથના ગંભીર આક્ષેપો: 'લોકશાહીની હત્યા'

મહાયુતિની આ બિનહરીફ જીતને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ શંકાના દાયરામાં મૂકી વિરોધ નોંધાવ્યો છે. સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, વિપક્ષી ઉમેદવારોને ED-CBIનો ડર બતાવી અથવા નાણાકીય લાલચ આપીને તેમની પાસે જબરદસ્તીથી ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે આ સમગ્ર ઘટનાક્રમ પર ચૂંટણી પંચના મૌન સામે પણ આકરા સવાલો ઉઠાવ્યા હતા.

ચૂંટણીનું સમયપત્રક

મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ(BMC સહિત) માટે 15 જાન્યુઆરીએ મતદાન થશે અને તેના બીજા જ દિવસે એટલે કે 16 જાન્યુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર BMCની ચૂંટણીમાં મહાયુતિના 68 કાઉન્સિલર જીતી ગયા 2 - image