- આઠ વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવનારા ઇન્દોરમાં ઝેરી પાણી કાળ બન્યું
- હોનારતમાં 15નાં મોત : સરકારને પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં પોલીસ ચોકીના ટોઈલેટનું પાણી ભળી ગયાની આઠ દિવસે ખબર પડી
- સીએમ મોહન યાદવે ભોગ બનેલા પીડિતોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી
ઈન્દોર : દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરના ભગીરથપુરામાં આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાના કારણે ૧૫થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ૩૦૦૦થી વધુ લોકો બીમાર પડયા છે, જેમાંથી ૩૪ને આઈસીયુમાં દાખલ કરવા પડયા છે. ભગીરથપુરામાં 'ઝેરી' પાણી પીવાથી ઝાડા-ઉલ્ટીના નવા ૩૩૮ કેસ નોંધાયા છે. આ 'ઝેરી' પાણી પીવાથી શુક્રવારે વધુ એક વૃદ્ધ મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. દૂષિત પાણી પીવાથી લોકોના મોત થતા અને ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. બીજીબાજુ આ રોગચાળાનું કારણ પીવાનું દૂષિત પાણી હોવાનું લેબ ટેસ્ટમાં પુરવાર થતાં રાજ્ય સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે.
દેશમાં આઠ વર્ષથી ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતનારા મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઈન્દોરના ભગીરથપુરામાં છેલ્લા આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી નાગરિકો માટે જીવલેણ સાબિત થયું છે. ટોઈલેટવાળું 'ઝેરી' પાણી પીવાથી શુક્રવારે વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું. વૃદ્ધ મહિલાને શહેરની અરવિંદો હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે આ આપદાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.
રાજ્ય સરકારે સ્થિતિની સમીક્ષા કરી લોકોને પીવાનું પાણી પૂરું પાડવા પાણીના ટેન્કરો મોકલ્યા હતા. જોકે, લોકો એટલા ગભરાયેલા છે કે પાણી પીવાથી પણ ડરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, આ સ્થિતિનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય વિભાગે ૨૧ ટીમ બનાવી છે, જેમાં ડોક્ટર, પેરામેડિકલ, એએનએમ અને આશા કાર્યકરોનો સમાવેશ કરાયો છે. તેઓ લોકોને ઘરે ઘરે જઈને પીવાનું પાણી ઉકાળીને પીવા, બહારનું ભોજન નહીં ખાવા માટે સમજાવી રહ્યાં છે.
ઈન્દોરના ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર ડો. માધવ પ્રસાદ હસાનીએ જણાવ્યું કે, શહેરની એક મેડિકલ કોલેજ દ્વારા તૈયાર કરાયેલા લેબ રિપોર્ટમાં એ બાબતની પુષ્ટી કરાઈ છે કે ભગીરથપુરા વિસ્તારમાં એક પાઈપલાઈનમાં લીકેજના કારણે પીવાનું પાણી દુષિત થઈ ગયું હતું, જેના કારણે સ્થાનિક લોકોમાં ઝાડા-ઉલ્ટીની બીમારી ફેલાઈ હતી. જોકે, તેમણે આ ટેસ્ટ રિપોર્ટની વિસ્તૃત વિગતો જણાવી નહોતી.
અધિક મુખ્ય સચિવ સંજય દુબેએ કહ્યું કે, ભગીરથપુરામાં એક પોલીસ ચોકી પાસે પીવાના પાણીની મુખ્ય સપ્લાય પાઈપલાઈનમાં એવી જગ્યાએ લીકેજ જણાયું છે જ્યાં એક શૌચાલય બનેલું છે. તેમણે દાવો કર્યો કે આ લીકેજના કારણે વિસ્તારમાં પાણીનો સપ્લાય દૂષિત થઈ ગયો હતો. આ શૌચાલયનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હતું. તેઓ ભગીરથપુરામાં પીવાના પાણીની સપ્લાય પાઈપલાઈનની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે, જેથી જાણી શકાય કે ક્યાંક અન્ય કોઈ જગ્યાએ લીકેજ તો નથી ને? તપાસ બાદ ભગીરથપુરાના ઘરોમાં પાઈપલાઈન મારફત સ્વચ્છ પાણીનો પૂરવઠો અપાયો હતો. જોકે, તકેદારીના ભાગરૂપે લોકોને પીવાનું પાણી ઉકાળીને પીવાની સલાહ અપાઈ હતી.
તેમણે ઉમેર્યું કે, ભવિષ્યમાં આવી ઘટનાને રોકવા માટે આખા રાજ્ય માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) જાહેર કરાશે. મુખ્યમંત્રી મોહન યાદવે પણ સ્થિતિની સમીક્ષા કરી હતી અને જવાબદાર અધિકારીઓને હટાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી મોહન યાદવે સમીક્ષા બેઠકમાં ઈન્દોર નગર પાલિકાના કમિશનર અને અધિક કમિશનરને કારણ બતાઓ નોટિસ આપી હતી. વધુમાં ઈન્ચાર્જ અધિક્ષક ઈજનેર પાસેથી જળ વિતરણ વિભાગનો પ્રભાર પાછો લેવા નિર્દેશ આપ્યા હતા.
દરમિયાન ભગીરથપુરામાં પીવાના દુષિત પાણી મુદ્દે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં થયેલી એક અરજીની સુનાવણીમાં રાજ્ય સરકારે શુક્રવારે કહ્યું, ભગીરથપુરામાં સ્થિતિને જાહેર સ્વાસ્થ્ય ઘટના તરીકે વર્ગીકૃત કરાઈ છે અને સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે. હાઈકોર્ટની ઈન્દોર બેન્ચ સમક્ષ ૪૦ પાનાનો રિપોર્ટ રજૂ કરતા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કહ્યું કે, રાજ્ય સરકારે બધા જ જરૂરી પગલાં લીધા છે અને હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. રાજ્ય સરકારે આ બાબતને 'રુટીન મેડિકલ ઈશ્યુુ' તરીકે લેવાના બદલે 'પબ્લિક હેલ્થ કન્ટીજન્સી' તરીકે વર્ગીકૃત કરી છે અને તાત્કાલિક પગલાં લઈ રહી છે.
કલ્પાંત કરતા ગરીબ પરિવારે સરકારી સહાય ફગાવી
10 વર્ષની રાહ જોયા પછી બાળકનો જન્મ, એક ચમચી પાણી પીતા મોત
- માતાને દૂધ ઓછું આવતું હોવાથી બાળકને નળના પાણી મિશ્રિત દૂધનો પાવડર પીવડાવ્યા હતા : દાદી
ઈન્દોર : ઈન્દોરના મરાઠી મહોલ્લામાં સાહુ પરિવારે ભગવાનને અનેક પ્રાર્થનાઓ કર્યા પછી ૧૦ વર્ષે ઘરે પારણુ બંધાયું હતું. પરિવાર ખૂબ આનંદ અને ઉલ્લાસમાં હતો, પરંતુ તેમનો આ આનંદ છ મહિનામાં જ કલ્પાંતમાં પરિણમ્યો. છ મહિનાના બાળક અયાનને નળનું એક ચમચી પાણી દૂધમાં ભેળવી પીવડાવવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી થયેલા ૧૫ મોતમાં છ મહિનાનું બાળક અયાન સૌથી નાની વયનું પીડિત છે. અયાનના મોતથી સાહુ પરિવાર પર દુઃખોનું આભ તૂટી પડયા જેવી સ્થિતિ સર્જાઈ છે. અયાનની દાદી કૃષ્ણા સાહુએ કહ્યું કે, અમને સરકારની કોઈ સહાય જોઈતી નથી. સરકારી સહાયથી અમારું બાળક પાછું નહીં આવે. રૂપિયા બાળક કરતાં મોટા નથી. પરિવારે કહ્યું કે, અયાનનું ૨૯ ડિસેમ્બરે મોત થયું હતું.
દાદી કૃષ્ણા સાહુએ કહ્યું કે, બાળક જન્મ સમયે એકદમ સ્વસ્થ હતું અને તેનું વજન પાંચ કિલો હતું. માતાને દૂધ ઓછું આવતું હોવાના કારણે અયાનને પેકેજ્ડ દૂધ અને નળના પાણીથી મિશ્રિત દૂધનો પાવડર આપવામાં આવતો હતો. એક દિવસ અચાનક તેને ડાયેરિયા થઈ ગયા. ડોક્ટરની સલાહથી પહેલા ઘરે દવા કરી, પરંતુ તેને સારું ના થતા હોસ્પિટલ લઈ ગયા તો ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બાળકને દૂધના પાવડરમાં એક ચમચી પાણી ભેળવીને આપ્યું હતું, જે તેના મોતનું કારણ બન્યું.


