બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ
Bihar Assembly Election Updates : બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ પહેલા રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે, ત્યારે આજે રવિવારે (4 મે, 2025) પટનામાં ત્રીજી વખત મહાગઠબંધનમાં સામેલ પક્ષના નેતાઓની ત્રીજી મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, 'અમે 20 મેના રોજ કામદારોની હડતાળને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.' જ્યારે બેઠક બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે, 'મહાગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે અને બિહારની તમામ 243 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવશે.' વિકાસશીલ ઈન્સાન પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ મંત્રી મુકેશ સહનીએ જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને સમાજવાદી નેતાઓની મોટી જીત ગણાવી હતી. જો કે, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ જોવા મળી રહી છે.
RJD નેતા તેજસ્વી યાદવે શું કહ્યું?
બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, 'અમે 20 મેના રોજ કામદારોની હડતાળને સંપૂર્ણ સમર્થન આપીશું. પીપલ્સ ઓફ ઈન્ડિયા એલાયન્સ સમગ્ર જિલ્લામાં કામદારો સાથે રસ્તા પર ઉતરીશું.'
જ્યારે મુકેશ સહનીએ જણાવ્યું હતું કે, 'આજની બેઠકમાં પાર્ટી પ્રમુખ, રાજ્ય પ્રભારી અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે જેમ પટનામાં ઇન્ડિયા એલાયન્સ એકજુથ દેખાય છે, તેવી જ રીતે જિલ્લા, બ્લોક, પંચાયત અને બૂથ સ્તરે પણ એકતા નજર આવવી જોઈએ. બધા નેતાઓને વધુ સારા સંકલન સાથે જનતા વચ્ચે જવા અને તેમના મુદ્દાઓ મજબૂતીથી ઉઠાવવા સૂચના આપવામાં આવી છે.'
RJD નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે, 'બિહારની જનતાની સારી રીતે ખબર છે કે, વિધાનસભા ચૂંટણીમાં શું થશે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. જ્યારે સંજોય સમિતિનું નેતૃત્વ નક્કી છે, સંકલન વધુ સારું છે અને આપણે બધા એક છીએ. 243 બેઠક પર મહાગઠબંધન ચૂંટણી લડશે અને 243 પર જીત પણ મેળવશે. અમારી સરકાર બનશે એમાં કોઈ રાય નથી. '