દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન
Rajnath Singh Issues Stern Warning After Pahalgam Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારતના કરોડો નાગરિકો આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ સતત વધી રહ્યો છે. એવામાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના ચેતવણી આપતા કહ્યું છે કે સરહદો સુરક્ષિત કરવાની જવાબદારી મારી છે. દેશની જેવી ઈચ્છા છે એવું થઈને રહેશે.
દેશ જેવું ઈચ્છે છે એ જ ભાષામાં જવાબ આપીશું: રાજનાથ સિંહ
દિલ્હીના આનંદધામ આશ્રમમાં સંસ્કૃતિ જાગરણ કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું છે, કે 'દેશની ઉપર આંખ ઉઠાવીને જોનારાઓને જડબાતોડ જવાબ આપવાની જવાબદારી મારી છે. આપણાં વડાપ્રધાનને તો આપ સૌ સારી રીતે ઓળખો જ છો, તેમની કાર્યશૈલીથી પણ તમે પણ પરિચિત છો. હું આપ સૌને આશ્વાસન આપું છું કે તમે જે ઈચ્છો છો તેવું થઈને રહેશે.
દુનિયાની કોઈ શક્તિ ભારતને હરાવી ન શકે, ભારત અમર રહેશે.'
તેમણે વધુમાં કહ્યું છે, કે 'ભારતની શક્તિ માત્ર સૈન્ય ક્ષમતામાં જ નહીં, પરંતુ તેની સંસ્કૃતિ અને આધ્યાત્મમાં પણ છે. ઈતિહાસ સાક્ષી છે કે ભારતના સંતોએ માત્ર આધ્યાત્મિક જ નહીં સમાજ સુધાર, શિક્ષણ અને રાષ્ટ્રીય એકતામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. એક તરફ સંતો સંસ્કૃતિની રક્ષા કરે છે તો બીજી તરફ સૈનિક સરહદની રક્ષા કરે છે. એક તરફ સંતો જીવન ભૂમિ પર લડે છે ત્યાં બીજી તરફ સૈનિકો રણભૂમિમાં લડત આપે છે.'