VIDEO : મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના મોત

Madhya Pradesh News : મધ્યપ્રદેશમાં દશેરાના દિવસે ગંભીર દુર્ઘટના બની છે. અહીં ખંડલા જિલ્લામાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી છે. પંઢાના પોલીસ સ્ટેશન વિસ્તારના અર્દલા ગામમાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી જતાં 11 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકોનો સમાવેશ થાય છે.
ટ્રેક્ટર-ટ્રોલીમાં આશરે 20થી 25 લોકો સવાર હતા
પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેક્ટર-ટ્રોલીમાં આશરે 20થી 25 લોકો સવાર હતા, જેઓ વિસર્જન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રેક્ટર-ટ્રોલીને એક નાની પુલિયા પર ઊભી રાખી હતી, જ્યાં તે અચાનક પલટી ખાઈને તળાવમાં ખાબકી હતી.
હજુ 14 લોકો લાપતા
ટ્રોલી પડતાં જ લોકો બૂમો પાડવા લાગ્યા હતા. દશેરાના કારણે વિસર્જન સ્થળે ભીડ હોવાથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં કેટલાક લોકોને બચાવી લેવાયા છે, પરંતુ 14 જેટલા લોકો હજુ લાપતા હોવાની માહિતી સામે આવી છે.
નદીમાંથી 10 મૃતદેહો મળ્યા
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં નદીમાંથી 10 મૃતદેહો મળ્યા છે, જેમાંથી મોટાભાગના બાળકો છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને બચાવેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લાપતા થયેલા અન્ય લોકોની શોધખોળ હજુ ચાલુ છે.


