ધોળા દિવસે હોસ્પિટલમાં ઘૂસી નર્સિંગની વિદ્યાર્થિનીનું ગળું કાપી નાખ્યું, નજરે જોનારાઓની બચાવવા હિંમત ન થઇ
Narsinghpur Nursing Student Murder: મધ્યપ્રદેશમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા હોસ્પિટલમાં નર્સિંગની ટ્રેનિંગ લઈ રહેલી એક વિદ્યાર્થિનીનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેકના રૂંવાટા ઊભા થઈ ગયા છે. શુક્રવારે બનેલી આ ઘટનામાં આરોપીએ ધોળા દિવસે છરી વડે વિદ્યાર્થીની સંધ્યા ચૌધરીને ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી.
વીડિયોમાં જોઈ શકાય છે કે, હોસ્પિટલ પરિસરમાં સેંકડો લોકોની હાજરીમાં આરોપી અભિષેક કોષ્ઠી વિદ્યાર્થિનીનું ગળું કાપી રહ્યો છે. આ દરમિયાન તેણે પોતાની ગરદન કાપવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે તેણે જોયું કે વિદ્યાર્થીની હજુ પણ જીવિત છે અને પીડાથી તડપી રહી છે, તો તેણે ફરી તેની ગરદન કાપવાનું શરૂ કરી દીધું. આ ભયાનક દૃશ્ય જોઈ લોકો ડરી ગયા છે.
હોસ્પિટલમાં નર્સિંગ સ્ટુડન્ટની હત્યા
ઘટનાસ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે નર્સિંગ સ્ટુડન્ટ ડ્યૂટી પર હતી અને હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ કરી રહી હતી. આ દરમિયાન આરોપી યુવક અચાનક હોસ્પિટલમાં ઘૂસી ગયો અને એક જ ઝાટકે છોકરીનું ગળું છરીથી કાપી નાખ્યું. ઘટના સમયે દ્રશ્ય એટલું ભયાનક હતું કે સ્થળ પર હાજર કોઈ પણ છોકરીને બચાવવાની હિંમત ન કરી શક્યું.
આ પણ વાંચો: VIDEO: હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ
પોલીસે આરોપી યુવકની કરી ધરપકડ
આ હત્યાકાંડ બાદ હોસ્પિટલ પરિસરમાં ભાગદોડ મચી ગઈ. થોડી જ વારમાં વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી યુવક વિદ્યાર્થિનીને એકતરફી પ્રેમ કરતો હતો. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં જેલ હવાલે કરી દીધો છે. આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.