4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આપી રાહત, ફાંસી માફી કરી હવે આ સજા આપી, કારણ પણ જણાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madhya Pradesh HC: મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જ્યાં કોર્ટે એક ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા ગુનેગારને રાહત આપી દીધી છે. કોર્ટે ગુનેગારને મોતની સજા ઓછી કરી 25 વર્ષની જેલની સજામાં બદલી દીધી છે. કોર્ટે તેનું કારણ પણ જણાવ્યું છે. આ સિવાય કોર્ટે ગુનેગારને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
મોતની સજાને 25 વર્ષની કેદમાં બદલી
મધ્ય પ્રદેશની હાઈકોર્ટે ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના ગુનેગારને મોતની સજાને 25 વર્ષની સખત કેદમાં બદલી છે. કોર્ટે ગુનેગારની મોતની સજાને બદલતા તેનું કારણ પણ જણાવ્યું છે. કોર્ટનું કહેવું છે કે, ગુનેગાર અશિક્ષિત છે અને એક ગરીબ આદિવાસી પરિવારમાંથી આવે છે.
આ પણ વાંચોઃ વકીલો સામે ઈડીના સમન્સ 'ખતરનાક', સુપ્રીમ કોર્ટની બાર એસોસિયેશને પણ બાંયો ચઢાવી
કોર્ટે કેમ લીધો આવો નિર્ણય?
જસ્ટિસ વિવેક અગ્રવાલ અને જસ્ટિસ દેવનારાયણ મિશ્રાની ખંડપીઠે સ્વીકાર કર્યો કે, અપીલકર્તાએ એક ક્રૂર કૃત્ય કર્યું કારણકે, તેણે એક ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેનું ગળું દબાવીને તેને મરવા માટે છોડી દીધી. પરંતુ, ગુનેગાર 20 વર્ષીય અશિક્ષિત યુવક છે અને આદિવાસી સમાજમાંથી આવે છે, તેના માતા-પિતાએ તેને ક્યારેય શિક્ષણ આપવાનો પ્રયાસ નથી કર્યો. તેનું યોગ્ય રીતે ધ્યાન ન રાખ્યું તેથી ગુનેગારે પોતાનું ઘર છોડી દીધું અને એક ઢાબામાં રહીને કામ કરી રહ્યો હતો. ઢાબાનો માહોલ સારી પરવરિશ માટે અનુકૂળ ન હોય શકે, તેથી કોર્ટે યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ (પોક્સો) અધિનિયમની કલમ 6 હેઠળ દંડનીય ગુના માટે મોતની સજાને 25 વર્ષની સખત કેદમાં બદલી છે.
આ પણ વાંચોઃ Operation Sindhu : યુદ્ધગ્રસ્ત ઈરાનથી વધુ 407 ભારતીયોને લઇ બે વિમાન દિલ્હી પહોંચ્યાં
શું હતો કેસ?
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાની પૉક્સો કોર્ટે 21 એપ્રિલ, 2023ના દિવસે યુવકને મોતની સજા સંભળાવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ 30-31 ઓક્ટોબર, 2022ની રાત્રે બાળકીનું તેના ઝૂંપડામાંથી અપહરણ કર્યું હતું અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી.









