દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું
(AI IMAGE) |
MP Judge Aditi Kumar Sharma Resigns: મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં ફરજ બજાવતા જુનિયર ડિવીઝન સિવિલ જજ અદિતિ કુમાર શર્માએ 28 જુલાઈના રોજ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક સીનીયર જજ પર માનસિક સતામણી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં, તે સીનીયર જજને મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
અદિતિ કુમાર શર્માએ જણાવ્યું કે, 'મે વારંવાર ફરિયાદ નોંધાવી હોવા છતાં મારી વાત સાંભળવામાં આવી નથી કે કોઈ તપાસ કરવામાં આવી નથી.' અદિતિ કુમાર શર્માએ પોતાના રાજીનામામાં લખ્યું છે કે, 'આ નિર્ણય મારા વ્યક્તિગત દુઃખને કારણે નથી, પરંતુ ન્યાયિક પ્રણાલીની નિષ્ફળતા સામેનો એક વિરોધ છે. આ રાજીનામું એ વાતનો પુરાવો છે કે મધ્યપ્રદેશમાં એક મહિલા જજ હતી જે ન્યાય માટે સમર્પિત હતી, પરંતુ સંસ્થાએ તેને સાથ ન આપ્યો.'
અદિતિ કુમાર શર્માએ દાવો કર્યો કે, 'મારી પાસે આરોપી જજ વિરુદ્ધ પુરાવા પણ હતા, છતાં કોઈ તપાસ થઈ નહીં, કોઈ નોટિસ મળી નહીં, કોઈ સુનાવણી થઈ નહીં. તેમને હવે 'ન્યાયાધીશ' કહેવામાં આવે છે, જે પોતે 'ન્યાય' શબ્દનું અપમાન છે.'
અગાઉ અદિતિને બરતરફ કરાયા હતા
નોંધનીય છે કે, અદિતિ કુમાર શર્મા તે છ મહિલા ન્યાયિક અધિકારીઓમાં સામેલ હતા જેમને જૂન 2023માં અસંતોષકારક પ્રદર્શન માટે નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે દખલગીરી કરીને તેમને ફરીથી બહાલ કર્યા હતા અને તેમણે માર્ચ 2024થી શહડોલમાં ફરીથી કામ શરૂ કર્યું હતું.
ભારતના રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટને કોલેજિયમ પર પત્ર લખ્યો હતો
જુલાઈ 2025માં, જજ અદિતિ કુમાર શર્માએ ભારતના રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટને કોલેજિયમ પર પત્ર લખ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગંભીર આરોપોવાળા અધિકારીને કોઈ તપાસ વિના બઢતી આપવાથી ન્યાયપાલિકાની જવાબદેહી અને સંવેદનશીલતા પર સવાલ ઉભા થાય છે. અન્ય બે ન્યાયિક અધિકારીઓએ પણ તે જ અધિકારી સામે ફરિયાદો નોંધાવી હતી. જોકે, બઢતીને મંજૂરી આપવામાં આવે તે પહેલાં, સંબંધિત અધિકારીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
અદિતિ કુમાર શર્માએ જણાવ્યું છે કે, 'સિસ્ટમે કાર્યવાહી કરવાને બદલે તે અધિકારીને બઢતી આપી છે. આ ઘટના ન્યાયિક પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદેહીના અભાવ પર ગંભીર સવાલો ઉભા કરે છે.'