mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

‘ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવાનું કાવતરું...’, મતની ટકાવારી મુદ્દે ચૂંટણી પંચે આપ્યો જવાબ

Updated: May 25th, 2024

‘ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવાનું કાવતરું...’, મતની ટકાવારી મુદ્દે ચૂંટણી પંચે આપ્યો જવાબ 1 - image

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે મતદાન પૂર્ણ થયાના 48 કલાકમાં જ પ્રત્યે મતદાન મથકે પડેલા કુલ મતના આંકડાનો રેકોર્ડ એટલે કે ફોર્મ-17-સીની સ્કેન કરેલી કોપી વેબસાઈટ પર જાહેર કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફગાવી દીધા બાદ ચૂંટણી પંચ આજે મહત્વનું નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચે આક્ષેપ કર્યો છે કે, એક પેટર્ન હેઠળ ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તમામ ડેટા પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ

મતદાન ટકાવારી પર આશંકા વ્યક્ત કરવાના આક્ષેપનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. પંચે કહ્યું છે કે, દરેક લોકો સરળતાથી મતદાનની ટકાવારી જાણી શકે તે માટે ચૂંટણી પંચે જે બેઠકો પર મતદાન થઈ ગયું છે, તે બેઠક પરના કુલ મતદારો અને મતદાન કરનારાની સંખ્યા જાહેર કરી છે. આ તમામ ડેટા પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે.

મત ટકાવારીનો ડેટા ઉમેદવારોના એજન્ટો પાસે હોય છે

ચૂંટણી પંચે ફરી કહ્યું છે કે, મતદાનના દિવસે તમામ ઉમેદવારોના પોલિંગ એજન્ટોને ફોર્મ 17C દ્વારા ડેટા શેર કરવામાં આવે છે, જેને કોઈપણ બદલી શકતું નથી. તમામ ઉમેદવારોના અધિકૃત એજન્ટો પાસે દરેક 543 મતદાન મથકોમાં અલગ ફોર્મ 17C હોય છે.

મતદાનના આંકડા જારી કરવામાં કોઈપણ વિલંબ થયો નથી

પંચે યાદ અપાવ્યું છે કે, કુલ મતદારો અને મતદાનના આંકડા જારી કરવામાં કોઈપણ વિલંબ થયો નથી. સંસદીય મતવિસ્તાર મુજબ મતદાર, મતદાનનો ડેટા હંમેશા ઉમેદવારો પાસે ઉપલબ્ધ હોય છે અને વોટર ટર્નઆઉટ એપ્લિકેશનની શરૂ થયા બાદ આ ડેટા સામાન્ય નાગરિકોને પણ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે.

શંકા ઉભી કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરીશું

ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયા બદનામ કરવા માટે ખોટા વર્ણવો કરવા અને ખોટી યોજનાઓ બનાવી અફવાઓ ફેલાવી એક પેટર્ન બની ગઈ છે, જે ખૂબ જ સંવેદનશીલ અને ટીકાપાત્ર છે.

‘અમે લોકોને બતાવીશું કે...’ મુખ્ય ચૂંટણી કમિશનરે આપ્યો જવાબ

બીજીતરફ આજે દિલ્હીમાં મતદાન કરવા પહોંચેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે, ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવા ઉપરાંત શંકા ઉભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ અને ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર તેમણે કહ્યું કે, શંકાનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે એક દિવસે તમામને આ વિશે જણાવીશું. અમે લોકોને બતાવીશું કે, લોકોને કેવી રીતે ગુમરાહ કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે વોટિંગ પર ખરાબ અસર પડી રહી છે. રાજીવ કુમારે કહ્યું કે, લોકોને લાગે છે કે, શું ઈવીએમ યોગ્ય છે કે નહીં? જોકે સારી બાબત એ છે કે, તમામ સ્થળે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે, પછી ભલે તે ઓડિશા હોય કે પશ્ચિમ બંગાલ કે પછી બિહાર...

ચૂંટણી પંચે આ કારણે આપવો પડ્યો જવાબ

ઉલ્લેખનીય છે કે, એડીઆર નામની સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરી હતી કે, મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાકમાં જ પ્રત્યેક મતદાન મથકે પડેલા કુલ મતના આંકડાનો રેકોર્ડ એટલે કે ફોર્મ ૧૭-સીની સ્કેન કરેલી કોપી વેબસાઇટ પર જાહેર કરવામાં આવે, જોકે આ મામલે સુપ્રીમ કોર્ટે ગઈકાલે સુનાવણી હાથ ધરી ચૂંટણી પંચને રાહત આપી એડીઆરની અરજી ફગાવી દીધી હતી.  સુપ્રીમ કોર્ટે માગ ફગાવતા કહ્યું હતું કે હાલ ચૂંટણી અંતિમ તબક્કામાં પ્રવેશવા જઇ રહી છે. આ સ્થિતિ વચ્ચે આદેશ આપીશું તો ચૂંટણી પંચ પર કામનું ભારણ વધી જશે.  

શું છે ફોર્મ 17C ?

ચૂંટણીના નિયમો-1961 હેઠળ દરેક મતદાન મથક પર પડેલા મતનો રેકોર્ડ ફોર્મ 17Cમાં નોંધાય છે. આમાં મતદાન મથકનો કોડ નંબર, નામ, મતદારોની સંખ્યા (ફોર્મ 17A), મતદારોની સંખ્યા કે જેમણે મતદાન નથી કર્યું, જે મતદારોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી નથી, તેમની સંખ્યા, નોંધાયેલા મતોની સંખ્યા (EVM ડેટામાંથી)નો સમાવેશ થાય છે. નકારવામાં આવેલા મતોની સંખ્યા, મત નકારવાના કારણો, સ્વીકૃત મતોની સંખ્યા, પોસ્ટલ બેલેટ વિશેનો ડેટા સહિતનો તમામ ડેટા મતદાન અધિકારીઓ દ્વારા રેકોર્ડ કરવામાં છે અને તે બૂથના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ડેટાની ચકાસણી થાય છે.

ફોર્મ 17Cના બીજા ભાગમાં દરેક ઉમેદવારના મતનો રેકોર્ડ હોય છે અને તે મત ગણતરીના દિવસે નોંધાય છે. તેમાં ઉમેદવારનું નામ અને મળેલા મતોની માહિતી હોય છે. આમાં જાણવા મલે છે કે, તે મતદાન કેન્દ્રમાંથી ગણતરી કરાયેલા કુલ મતો કુલ પડેલા મતો જેટલા છે કે નહીં. આ ડેટા મતગણતરી કેન્દ્રના નિરીક્ષક દ્વારા નોંધાય છે. દરેક ઉમેદવાર પોતે અથવા તેમના પ્રતિનિધિ દ્વારા આ ફોર્મ પર સહી કરવાની રહે છે અને ત્યારબાદ રિટર્નિંગ ઓફિસર દ્વારા ચકાસણી થાય છે.

Gujarat