લોકડાઉનનો ભંગ કરી ફરતા વિદેશી ટુરિસ્ટ્સ પાસે પોલીસે 500 વખત 'સોરી' લખાવ્યુ
દહેરાદુન, તા.12 એપ્રિલ 2020, રવિવાર
ભારતમાં લોકડાઉન વચ્ચે હજી પણ સેંકડો વિદેશીઓ ફસાઈ ગયેલા છે અથવા તો તેમણે આ સ્થિતિમાં ભારતમાં જ રહેવાનુ પસંદ કર્યુ છે.
જોકે લોકડાઉનના નિયમ તોડવામાં વિદેશી ટુરિસ્ટ પણ પાછળ નથી. પવિત્ર યાત્રાધામ ઋષિકેશમાં વિદેશી નાગરિકો નિયમો તોડી રહ્યા છે. તપોવન ખાતે ગંગા ઘાટ પર શનિવારે આવા 10 વિદેશી ટુરિસ્ટ લોકડાઉનમાં સવારે સાતથી દસ દરમિયાન જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદવા માટે અપાયેલી થોડી ઘણી છુટનો ગેરલાભ ઉઠાવીને ફરતા નજરે પડ્યા હતા. કેટલાક તો ગંગામાં ડૂબકી લગાવવા પણ પડ્યા હતા.
પોલીસને જાણકારી મળ્યા બાદ પોલીસે તેમને પકડ્યા હતા અને અનોખી સજા કરી હતી. પોલીસે તેમની પાસે કાગળ પર 500 વખત સોરી...આવી ભૂલ ફરી નહી કરીએ તેવુ લખાવ્યુ હતુ.