જમ્મુ કાશ્મીરમાંથી ઝડપાયા 2 હાઈબ્રિડ આતંકવાદીઓ, એરપોર્ટ પર જવાનના બેગમાંથી મળ્યો હેન્ડ ગ્રેનેડ

- જવાનના બેગમાં હેન્ડ ગ્રેનેડ કઈ રીતે પહોંચ્યો, પોતાના સાથે હેન્ડ ગ્રેનેડ લઈ જવા પાછળ જવાનનો શું ઉદ્દેશ્ય હતો વગેરે મુદ્દે તપાસ હાથ ધરાઈ
શ્રીનગર, તા. 02 મે 2022, સોમવાર
સુરક્ષાબળોએ સોમવારે જમ્મુ કાશ્મીરમાંથી 2 હાઈબ્રિડ આતંકવાદીઓને હથિયાર સાથે ઝડપી લીધા હતા. અન્ય એક ઘટનામાં શ્રીનગર એરપોર્ટ ખાતે સેનાના એક જવાનના બેગમાંથી લાઈવ ગ્રેનેડ મળી આવ્યો હતો. આ બંને કેસમાં પોલીસ અને સેનાના જવાનો દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
કાશ્મીર ઝોન પોલીસે આતંકવાદીઓની ધરપકડ મામલે ટ્વિટમાં લખ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના નૌગામ વિસ્તારમાંથી સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ટીમે એક આતંકવાદીની હથિયારો સાથે ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીની ઓળખ ગડીહામાના યામીન ભટ તરીકેની સામે આવી છે. તે લશ્કર-એ-તોઈબાનો એક હાઈબ્રિડ આતંકવાદી છે. તેના પાસેથી એક પિસ્તોલ, 2 ગ્રેનેડ અને પિસ્તોલની 51 ગોળીઓ જપ્ત કરવામાં આવી છે.
યામીન ભટની નિશાનદેહી પર ટીમે નૌગામ ખાતેથી જ અન્ય એક આતંકવાદી બડગામ નિવાસી શેખ શાહિદ ગુલઝારની પણ ધરપકડ કરી છે. શેખ શાહિદ ગુલઝાર પાસેથી એક પિસ્તોલ, ગોળા-બારૂદ સહિતની અન્ય આપત્તિજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ બંને કેસમાં પોલીસે કેસ દાખલ કર્યો છે અને પુછપરછ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એરપોર્ટ એન્ટ્રી દરમિયાન હેન્ડ ગ્રેનેડ પકડાયો
શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી એક જવાનને કસ્ટડીમાં પૂરવામાં આવ્યો છે. એરપોર્ટ એન્ટ્રી વખતે સ્ક્રીનિંગ દરમિયાન જવાનના સામાનમાંથી લાઈવ ગ્રેનેડ મળ્યો છે. જવાનની ઓળખ તમિલનાડુ નિવાસી બાલાજી સંપત તરીકે સામે આવી છે. તે ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા શ્રીનગરથી દિલ્હી થઈને ચેન્નાઈ જવાનો હતો.
તે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં તૈનાત છે. જવાનના બેગમાં હેન્ડ ગ્રેનેડ કઈ રીતે પહોંચ્યો, પોતાના સાથે હેન્ડ ગ્રેનેડ લઈ જવા પાછળ જવાનનો શું ઉદ્દેશ્ય હતો વગેરે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

