India

‘ફિલ્મવાળાએ ઊભા કરેલા કાલ્પનિક દેવતાઓ છોડી સનાતન તરફ વળો...’ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ અમદાવાદમાં સનાતન ધર્મની સાચી પરંપરાઓ પર ભાર મૂક્યો. તેમણે શાસ્ત્રોમાં ન હોય તેવા 'નકલી દેવી-દેવતાઓ' અને બનાવટી પૂજા પદ્ધતિઓથી દૂર રહેવા અનુયાયીઓને તાકીદ કરી. શંકરાચાર્યજીએ પંચદેવની ઉપાસના અને પ્રાચીન પરંપરાઓનું પાલન કરવા જણાવ્યું. તેમના આ નિવેદનથી ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ફિલ્મવાળાએ ઊભા કરેલા કાલ્પનિક દેવતાઓ છોડી સનાતન તરફ વળો...’ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન

Shankaracharya Sparks Debate on Authentic Sanatan Traditions: દ્વારકા પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ અમદાવાદ ખાતે હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓની પૂજા પદ્ધતિને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સનાતન ધર્મના અનુયાયીઓને શાસ્ત્રોમાં ન હોય તેવા 'નકલી દેવી-દેવતાઓ' અને બનાવટી ધાર્મિક પરંપરાઓથી દૂર રહેવાની સ્પષ્ટ તાકીદ કરી છે. કોઈ ચોક્કસ સંપ્રદાય કે વ્યક્તિનું નામ લીધા વિના કરાયેલા આ પ્રહાર બાદ હવે ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

'મુંબઈના સિનેમાવાળાઓએ નવા દેવી-દેવતા ઊભા કર્યા
પૂજા પદ્ધતિ અંગે સ્પષ્ટતા કરતા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, "હિંદુ ધર્મના લોકોએ માત્ર પંચદેવોની જ પૂજા કરવી જોઈએ. આપણા પૂર્વજો જે દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે, તે જ આપણી સાચી પરંપરા છે. જે દેવી-દેવતાઓનું શાસ્ત્રો કે પુરાણોમાં કોઈ વર્ણન જ નથી, તેમની પૂજા કરવાની કોઈ જરૂર નથી. આ બધું મુંબઈના સિનેમાવાળાઓએ ઊભું કરી દીધું છે, જેના કારણે આપણા મૂળ દેવી-દેવતાઓની પ્રાચીન પરંપરા ધ્વસ્ત થઈ રહી છે."

સાચા હિંદુ અને સનાતનીની વ્યાખ્યા સમજાવી
લોકોને પોતાના મૂળ ધર્મ સાથે જોડાયેલા રહેવાની અપીલ કરતા તેમણે વધુમાં ઉમેર્યું કે, "જેમ ગંગાજીમાંથી નીકળેલી ધારા ગંગાસાગરમાં ભળે છે અને તેમાં સ્નાન કરવાથી જ પુણ્ય મળે છે, તેમ શાસ્ત્રોક્ત માર્ગે ચાલવાથી જ કલ્યાણ થાય છે. હાલમાં કેટલાક લોકો ધર્મમાં દૂધમાં પાણી ભેળવવાનું (ભેળસેળ કરવાનું) કામ કરી રહ્યા છે. સાચો હિંદુ અને સનાતની એ જ છે જે પંચદેવની ઉપાસના કરે, ધર્મશાસ્ત્રો અને ચારેય ધામોને માને. જે દ્વારકાધીશ, સોમનાથ દાદા, મા દુર્ગા, દસ મહાવિદ્યાઓ, અંબાજી, આશાપુરા અને પોતાના કુળદેવી-કુળદેવતાને માને, તે જ સાચો હિંદુ છે."

વિશ્વ ઉમિયાધામ ખાતે શિલાપૂજન અને નિરીક્ષણ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા મંદિર 'વિશ્વ ઉમિયાધામ' ખાતે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. અહીં તેમણે શાસ્ત્રોક્ત વિધિથી શિલાપૂજન કર્યું હતું અને નિર્માણાધીન ગર્ભગૃહ તથા મંદિરના બાંધકામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સનાતન ધર્મના રક્ષણ અને વિશ્વ કલ્યાણ અર્થે આશીર્વચન પાઠવ્યા હતા.

ધાર્મિક સંગઠનોના પ્રતિભાવ પર સૌની નજર
શંકરાચાર્યજીએ પોતાના સમગ્ર વક્તવ્યમાં કોઈ ચોક્કસ સંપ્રદાયનો ઉલ્લેખ ટાળ્યો હોવા છતાં, તેમના આ નિવેદનના ગર્ભિત અર્થને લઈને વિવાદ અને ચર્ચાનો મધપૂડો છંછેડાયો છે. આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક સંગઠનો, સંતો અને અનુયાયીઓ તરફથી આ નિવેદન અંગે કેવા પ્રત્યાઘાત સામે આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.