Get The App

‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ 1 - image


India-Russia Relations : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન બાદ રશિયાએ ભારતના ભરપૂર વખાણ કરીને, અમેરિકાને સણસણતો જવાબ આપ્યો છે. વાસ્તવમાં યુક્રેન સાથે યુદ્ધ કરી રહેલા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવા અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે. ત્યારે રશિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ભારતની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય હિતોને સંપૂર્ણ સ્વિકારે છે અને ભારત-રશિયાના સંબંધો વચ્ચે કોઈ ત્રીજા દેશના દબાણને નહીં આવવા દે.’ 

અમે ભારતની વિદેશ નીતિનું સન્માન કરીએ છીએ : રશિયા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે (Sergey Lavrov) કહ્યું કે, ‘ભારત-રશિયા વચ્ચે વિશેષ ભાગીદારી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપનાવાયેલી સ્વતંત્ર વિદેશ નીતિનું અમે સન્માન કરીએ છીએ. બંને દેશો વચ્ચે સતત ઉચ્ચ સ્તરીય વાતચીત થતી રહે છે.’ તેમણે ચીનના શાંઘાઈ સહકાર સંગઠનમાં પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘પુતિન ડિસેમ્બરમાં ભારત પ્રવાસે જઈ શકે છે.’

અમેરિકાનું દબાણ છતાં ભારત-રશિયા વચ્ચે મજબૂત સંબંધો

અમેરિકા અનેક દેશો પર દબાણ કરીને રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડવા કહી રહ્યું છે, પરંતુ ભારત અમેરિકાની વાત માનતું નથી, તેવું પૂછવામાં આવતા લાવરોવે કહ્યું કે, ‘અમે ભારતના રાષ્ટ્ર હિતનું અને મોદીજીની વિદેશ નીતિનું સન્માન કરીએ છીએ. ભારત પોતાની જરૂરીયાત મુજબ નિર્ણય લેવામાં સક્ષમ છે અને આ માટે રશિયા કોઈપણ પ્રકારનું દબાણ કરતું નથી.’

આ પણ વાંચો : ‘ભારત અમેરિકા સાથે સારી રીતે વર્તે’, ટ્રમ્પના મંત્રી લુટનિકનું નિવેદન

ભારત-રશિયા વચ્ચે અનેક સેક્ટરોમાં સહયોગ

તેમણે એમ પણ કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે વેપાર, સૈન્ય, ટેકનોલોજી ભાગીદારી, નાણાંકીય, માનવીય મામલા, આરોગ્ય સેવાઓ, ઉચ્ચ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ સહિત અનેક સેક્ટરોમાં ભાગીદારી છે. એટલું જ નહીં એસસીઓ અને બ્રિક્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ભારત-રશિયા વચ્ચે ખાસ ભાગીદારી કાયમ છે.

લાવરોવે જયશંકર સાથે કરી મુલાકાત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન લાવરોવે વિદેશ મંત્રી એસ.જયશંકર (S. Jaishankar) સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હીત અને બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની વાર્ષિક બેઠકમાં પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : અમેરિકામાં માથાફરેલ યુવકનો રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત

Tags :