‘ભારત અમેરિકા સાથે સારી રીતે વર્તે’, ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રી લુટનિકે ઝેર ઓંક્યું
India-US Trade : અમેરિકાએ ભારત પર ટેરિફ બોંબ ઝિંક્યા બાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક પછી એક નેતાઓ ભારત વિરુદ્ધ ઝેર ઓંકી રહ્યા છે. અગાઉ વ્હાઇટ હાઉસના સલાહકાર અને ટ્રમ્પના એક વરિષ્ઠ સહયોગી પીટર નવારોએ ભારત વિરુદ્ધ લવારી કરી હતી, ત્યારે હવે ટ્રમ્પના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે વેપાર મુદ્દે ભારત પર નિશાન સાધ્યું છે.
ભારતે અમેરિકા સાથે યોગ્ય રીતે વર્તવું પડશે : લુટનિક
લુટનિકે કહ્યું કે, ‘ભારતે અમેરિકા સાથે યોગ્ય રીતે વર્તવું પડશે. અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડી શકે તેવી નીતિઓ ભારત દ્વારા અપનાવવી જોઈએ નહીં. અમારે અનેક દેશોને સુધારવા પડશે. અમારે અમેરિકાના હિતોને નુકસાન કરતી નીતિઓને પણ ખતમ કરવી પડશે.’
‘ભારત જેવા ઘણા દેશોને સુધારવાની જરૂર’
લુટનિકે (Howard Lutnick) એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘ભારતને પોતાના બજારો ખોલવાની અને અમેરિકાને નુકસાન પહોંચાડે તેવા કામો બંધ કરવાની જરૂર છે. સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રાઝિલ જેવા અન્ય ઘણા દેશોને સુધારવાની જરૂર છે, અને તેમાં ભારત પણ સામેલ છે. આ દેશોએ અમેરિકા પ્રત્યે યોગ્ય પગલા ભરવા જોઈએ. આ જ કારણે અમારા દેશની તે દેશો સાથે અસહમતિ છે.’
‘...તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખને સહયોગ કરવો પડશે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ટ્રેડ સંબંધીત મુદ્દાઓનો સમયસર નિવેડો આવી જશે, પરંતુ જો ભારત પોતાના ઉત્પાદનો અમેરિકન ગ્રાહકો સુધી પહોંચાડવા માંગે છે તો તેણે અમેરિકા સાથે સહયોગ કરવો પડશે. આ દેશો સમજી જાય કે, તેમણે અમેરિકન ગ્રાહકોને ઉત્પાદન વેંચવું હોય તો તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને સહયોગ કરવો પડશે. આ જ કારણે હજુ કેટલાક મુદ્દાઓ બાકી છે અને અમે ભારત જોવા મોટા દેશો સાથે મુદ્દાઓનો નિવેડો લવાશે.’
ગોયલ તાજેતરમાં જ અમેરિકાની મુલાકાતે ગયા હતા
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ પ્રતિનિધિમંડળ સાથે તાજેતરમાં જ અમેરિકાની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે, ‘ભારતની અમેરિકન અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સફળ બેઠક થઈ છે. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ મજબૂત કરવા માટે રચનાત્મક વાતીચત થઈ છે.’ ત્યારે હવે લુટનિકના નિવેદનથી બંને દેશો વચ્ચે વેપારનો મુદ્દો જટિલ હોવાનું હજુ પણ દેખાઈ રહ્યું છે.