જંતર-મંતર વિવાદ : કિરેન રિજિજુના દાવા પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું, ‘દેશના બાળકો સાથે જૂઠ્ઠું ન બોલો’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi On Delhi Student Protests : દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રીએ દિલ્હી પોલીસ અને વહીવટી તંત્રનો બચાવ કરતાં જણાવ્યું કે આટલા મોટા પ્રદર્શનને કોઈ પણ ગંભીર ઈજા કે જાનહાનિ વિના કાબૂમાં લેવું પ્રશંસનીય છે, જ્યારે બીજી તરફ વિપક્ષે સરકારના આ દાવા સામે ગંભીર સવાલો ઉઠાવીને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ કર્યા છે.
જંતર-મંતર પ્રદર્શન અંગે કિરેન રિજિજુનો દાવો
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ(Kiren Rijiju)એ દાવો કર્યો હતો કે, જંતર-મંતર પર હજારોની સંખ્યામાં લોકો પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, છતાં કોઈ પ્રદર્શનકારીને ગંભીર ઈજા પહોંચી નથી. તેમણે જણાવ્યું કે, 'એક પણ વ્યક્તિને ગંભીર નુકસાન થયું નથી, કોઈનું હાડકું તૂટ્યું નથી અને કોઈ પણ પ્રદર્શનકારી ગંભીર ઈજાના કારણે હૉસ્પિટલમાં દાખલ નથી.' તેમણે આરોપ મૂક્યો કે, પ્રદર્શનમાં કેટલાક 'ગુનાહિત તત્ત્વો' અને રાજકીય સંગઠનો સાથે જોડાયેલા લોકો સામેલ થઈ ગયા હતા, જેમણે ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો નહોતો, પરંતુ કેટલાક લોકોએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને રોકવા માટે કાર્યવાહી કરવી પડી હતી.
રિજિજુના દાવા બાદ રાહુલ ગાંધીએ આપ્યો વળતો જવાબ
કેન્દ્રીય મંત્રીના નિવેદન પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ આકરો વળતો પ્રહાર કરતાં કહ્યું કે, 'મોદી સરકારના મંત્રી કહી રહ્યા છે કે દિલ્હી પોલીસની પ્રશંસા કરવી જોઈએ. સંસદથી માત્ર અડધો કિલોમીટર દૂર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવામાં આવી, ખીલા લગાવેલી લાઠીઓ મારવામાં આવી, જેમાં એક બાળકે આંખ ગુમાવી અને એક બાળકીનો કાન કપાઈ ગયો. શું આ બર્બરતાની પ્રશંસા થવી જોઈએ?'
રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેઓ પોતે તે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળ્યા છે અને તેના હજારો વીડિયો દેશની જનતાએ જોયા છે. આ સરકારનો મૂળ મંત્ર જ અસત્ય અને હિંસા છે. 'પહેલા બાળકો પર લાઠી ચલાવો અને પછી કહી દો કે કંઈ થયું જ નથી.' સમગ્ર સત્ર દરમિયાન અમિત શાહ વિપક્ષથી ભાગતા રહ્યા અને વડાપ્રધાને આજ સુધી વિદ્યાર્થીઓની માફી માંગી નથી. તેમણે ઉમેર્યું કે સત્ય એ છે કે, દેશ માટે સૌથી મોટો ખતરો એ લોકો છે જેમને પોતાની ભૂલ દેખાતી નથી અને દેખાય તો પણ સ્વીકારતા નથી. દેશના બાળકો પાસે આંખો પણ છે અને યાદશક્તિ પણ છે, તેથી તેમની સાથે જૂઠ્ઠું ન બોલવું જોઈએ.









