VIDEO : ભયાનક વિસ્ફોટ ને 3 સેકન્ડમાં કાટમાળમાં ફેરવાયા ઘર... પહલગામ હુમલા બાદ છ આતંકીના ઠેકાણા જમીનદોસ્ત
Pahalgam Terror Attack : પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કરી 26 નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારતીય સેનાએ આતંકવાદીઓની કમર તોડવાનું શરૂ કરી દીધું છે. કુપવાડામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઈબાના આતંકવાદી ફારૂક અહમદનું મકાન બ્લાસ્ટ કરી ઉડાવી દીધું છે. આતંકી અહમદ હાલ પાકિસ્તાનમાં છુપાયેલો છે અને તે ત્યાંથી આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. પહલગામ હુમલા બાદ સેના દ્વારા આ છઠ્ઠી કાર્યવાહી કરાઈ છે.
આ 6 આતંકીના મકાનો જમીનદોસ્ત
ફારુક ઉપરાંત જે આતંકીઓના મકાનો જમીનદોસ્ત કરાયા છે, તેમાં અનંતનાગ જિલ્લાના થોકરપોરના આદિલ અહમદ થોકરનું, પુલવામાના મુર્રનમાં અહસાન ઉલ હક શેખ, ત્રાલના આસિફ અહમદ શેખ, શોપિંયાના ચોટીપોરાના શાહિદ અહમદ કુટ્ટે અને કુલગામના માટલહામાનો જાહિજ અહમદ ગનીનું મકાન સામેલ છે. સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, આતંક અને તેના સમર્થકો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સ્થાનિક લોકોને શાંતિ અને સહયોગ આપવાની પણ અપીલ કરવામાં આવી છે.
એક મકાન બ્લાસ્ટ કરીને તો એક બુલડોઝરથી તોડી પડાયું
સુરક્ષા દળોની ટીમે પહલગામ હુમલામાં સામેલ હોવાની શંકા હેઠળ શુક્રવારે બે આતંકવાદીઓના ઘરો ધ્વસ્ત કર્યા છે. લશ્કર-એ-તોઈબાના આતંકી આદિલ હુસૈન થોકરનું બિજબેહડા સ્થિત મકાનને IED બ્લાસ્ટથી ઉડાવી દેવાયું છે. જ્યારે ત્રાલમાં આતંકી આસિફ શેખનું મકાન બુલડોઝરથી તોડી પડાયું છે.
થોકર પાકિસ્તાનથી ટ્રેલિંગ લઈને આવ્યો હતો
મળતા અહેવાલો મુજબ આદિલ થોકર પર આશંકા છે કે, તેણે પહેલગામ હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી હતી. એવું કહેવાય છે કે, થોકર 2018માં પંજાબના અટારી-વાઘા બોર્ડરના રસ્તે પાકિસ્તાન ગયો હતો, જ્યાં તેણે આતંકી કેમ્પોમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ તે ગત વર્ષે ઘૂસણખોરી કરી જમ્મુ-કાશ્મીરમાં આવ્યો હતો.
આ પણ વાંચો : પહલગામ આતંકવાદી હુમલા અંગે આંતરરાષ્ટ્રીય તપાસ થવી જોઈએ, ભારત પર ભરોસો નથી: પાકિસ્તાન
આતંકીઓ પર 20 લાખનું ઈનામ
અનંતનાગ પોલીસે થોકર અને પહલગામ આતંકી હુમલાના જવાબદાર બે પાકિસ્તાની નાગરિકો અલી ભાઈ અને હાશિમ મૂસાને પકડવામાં મદદ કરનારને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ સાથે પોલીસે શંકાસ્પદોના સ્કેચ પણ જાહેર કર્યા છે. સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં ચારેતરફ સર્ચ ઓપરેશન કરી રહી છે.
26 પ્રવાસીઓના મોતથી દેશમાં રોશ
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ મંગળવારે આતંકવાદીઓએ ક્રૂરતાની હદ વટાવી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. સેનાના વેશમાં આવેલા આતંકીઓે બેસરન ખીણમાં આવી પ્રવાસીઓને પહેલા ધર્મ પૂછ્યો, આઇડી જોયું અને પછી હિન્દુ છો, કહીને ગોળીબાર કર્યો હતો. 26 મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનિક નાગરિકો સામેલ છે. આ ઘટના બાદ દેશભરમાં રોષ ભભુક્યો છે અને તમામ લોકો આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વિશ્વભરમાં પણ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં જતું ગંગાનું પાણી પણ રોકો, ભાજપના દિગ્ગજ નેતાની માંગ