ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા?
Indian Army Prepares Drone Commandos: મધ્ય પ્રદેશના ટેકનપુરમાં બીએસએફની ટ્રેઇનિંગ ઇન્સ્ટીટ્યુટમાં ડ્રોન વૉરફેર સ્કૂલ શરૂ કરવામાં આવી છે. પાંચ અઠવાડિયામાં, 47 સૈનિકો અહીંથી "ડ્રોન કમાન્ડો" બનીને નીકળશે. ઓપરેશન સિંદૂર પછી ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવાની બીએસએફની યોજનાનો આ એક ભાગ છે. આ શાળામાં સૈનિકોને ડ્રોન ઉડાડવા, દેખરેખ રાખવા, હુમલો કરવા અને દુશ્મનના ડ્રોનનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે.
સૈનિકો ડ્રોમનનો હથિયાર જેમ જ ઉપયોગ કરશે
બીએસએફ એકેડેમીના એડીજી શમશેર સિંહે જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધે બતાવ્યું છે કે યુદ્ધો હવે ટેન્ક અને બંદૂકોથી નહીં, પરંતુ હવામાં ડ્રોનથી લડવામાં આવી રહ્યા છે. તેથી સૈનિકો ડ્રોનને એવું જ હથિયાર બનાવે જેમ તેઓ ઇન્સાસ રાઇફલને 15 સેકન્ડમાં ખોલીને જોડી દે છે.
આ પણ વાંચોઃ ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવી નવી ગાઈડલાઈન, હિંસાના સંભવિત કારણો પણ જણાવ્યા
સ્કૂલના કોર્સ
- આ ડ્રોન વોરફેર સ્કૂલમાં બે મુખ્ય કોર્સ છે: સૈનિકો માટે ડ્રોન કમાન્ડો અને અધિકારીઓ માટે ડ્રોન વૉરિયર્સ.
- સ્કૂલમાં ત્રણ પાંખો છે: ફ્લાઇંગ અને પાઇલોટિંગ, વ્યૂહરચના અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ.
ડ્રોન કમાન્ડોને શું શીખવાડશે?
શમશેર સિંહે સમજાવ્યું કે, સૈનિકો ડ્રોનને હથિયાર તરીકે લઈ જઈ શકશે. તેઓ તેનો ઉપયોગ દેખરેખ, પેટ્રોલિંગ, દુશ્મનના ડ્રોનને તોડી પાડવા અને જો જરૂરી હોય તો બોમ્બ ફેંકવા માટે કરશે. સ્કૂલના ટ્રેનિંગ હેડ બ્રિગેડિયર રૂપિન્દર સિંહે જણાવ્યું હતું કે, આ કોર્સમાં ઉડાન, તકનીકી અને વ્યૂહાત્મક કુશળતાની તાલીમનો સમાવેશ થાય છે. સ્કૂલ એવા ટ્રેનર્સ પણ તૈયાર કરી રહી છે જે ફિલ્ડ યુનિટમાં જઈને ડ્રોન ટેકનોલોજી શીખવશે.
BSF મોટા પાયે ડ્રોનનો ઉપયોગ કરવા માટે અનેક પગલાં લઈ રહ્યું છે. દિલ્હી અને કાનપુરમાં IIT સાથે મળીને, BSF પોતાના ડ્રોન વિકસાવી રહ્યું છે, જે શસ્ત્રો, બોમ્બ અને હાઇ-રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ હશે. ટેકનપુરમાં રુસ્તમજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ખાતે ડ્રોન ટેકનોલોજી લેબની સ્થાપના કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન સરહદ પર તોડી પાડવામાં આવેલા ડ્રોનમાંથી ડેટા અને ફોરેન્સિકનો અહીં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. BSFનું પોલીસ ટેકનોલોજી ઇનોવેશન સેન્ટર પણ આક્રમક કામગીરીમાં ડ્રોનનો ઉપયોગ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેઓ હાઇ-સ્પીડ ડ્રોન પર કામ કરી રહ્યા છે જે બંદૂકોથી સજ્જ હોઈ શકે છે. એવા ડ્રોન વિકસાવવામાં આવી રહ્યા છે જે 500 કિલોમીટર સુધી દેખરેખ રાખી શકે છે, કાંટાળા તારમાંથી છબીઓ લઈ શકે અને 200 કિલો ગ્રામ સુધીનું વજન ઉપાડી શકે છે. આ બધી ટેકનોલોજી સરહદ પેટ્રોલિંગ અને સંરક્ષણને વધુ મજબૂત બનાવશે.