Ladakh Protest : લદાખને રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિ સામેલ કરવાની માંગ મુદ્દે મંગળવારે ભારે હિંસા અને અથડામણ થવાની ઘટનામાં ચાર લોકોના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઘટનાક્રમ બન્યા બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં શું કહ્યું?
લદાખ હિંસા પર ગૃહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે કેન્દ્ર સરકાર સતત વાતચીત પ્રક્રિયામાં લાગેલી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, સોનમ વાંગચુકે 10 સપ્ટેમ્બરના રોજ ભૂખ હડતાળ શરૂ કરી હતી, જોકે તેમની માંગણીઓ પહેલાથી જ ઉચ્ચ સ્તરીય સમિતિ (HPC) ની ચર્ચાનો ભાગ હતી. સરકારે લદાખમાં અનુસૂચિત જનજાતિ અનામત 45% થી વધારીને 84% કરી, કાઉન્સિલોમાં મહિલાઓને 1/3 અનામત આપી અને ભોટી અને પુર્ગી ભાષાઓને સત્તાવાર રીતે માન્યતા આપી. 1,800 જગ્યાઓ માટે ભરતી પણ શરૂ થઈ.
મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે વાંગચુકે 'આરબ સ્પ્રિંગ' અને 'Gen Z' ચળવળોનો ઉલ્લેખ કરીને ટોળાને ઉશ્કેર્યા હતા. 24 સપ્ટેમ્બરના રોજ લેહમાં હિંસક ટોળાએ એક રાજકીય પક્ષ અને CEC ઓફિસમાં આગ લગાવી, પોલીસ વાહનો સળગાવી દીધા અને 30 થી વધુ સુરક્ષા કર્મચારીઓને ઘાયલ કર્યા. જ્યારે પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ, ત્યારે પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કરવો પડ્યો, જેના પરિણામે કેટલાક લોકો મૃત્યુ પામ્યા.
મંત્રાલયે જણાવ્યું હતું કે, સાંજે 4 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ. ગૃહ મંત્રાલયે વાંગચુક પર હિંસા વચ્ચે ઉપવાસ તોડીને પોતાના ગામ પરત ફરવાનો અને પરિસ્થિતિને શાંત કરવામાં નિષ્ફળ જવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્રએ જણાવ્યું હતું કે તે લદાખની આકાંક્ષાઓ અને બંધારણીય અધિકારો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
વિરોધ પ્રદર્શનો, રેલીઓ કરવા પર પ્રતિબંધ
લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલીક અસરથી વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જારી કરાયેલા આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જાહેર શાંતિનો ભંગ કરવા જેવા અથવા કાયદો-વ્યવસ્થા માટે ખતરો ઊભો થઈ શકે તેવા વાંધાજનક નિવેદન આપવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે, જો તેનું ઉલ્લંઘન થશે તો ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આંદોલન હિંસક બનતા 4ના મોત, 70થી વધુ ઘાયલ
લદાખમાં ચાલી રહેલા આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરતાં ચાર લોકોના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેહમાં બુધવારે બંધ અને વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યાલયમાં આગ ચાંપવામાં આવી હતી અને ઘણા વાહનોને પણ સળગાવાયા હતા. પોલીસે જણાવ્યું કે, કેટલાક યુવાનોએ પથ્થરમારો કર્યો અને સુરક્ષા દળો પર હુમલો કરતાં ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યો, શાંતિ જાળવવાની અપીલ
આ હિંસા વચ્ચે જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે (Sonam Wangchuk) 15 દિવસ બાદ ઉપવાસ તોડ્યો છે અને યુવાનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘કોઈપણ પ્રકારની હિંસા કરવાથી અને આંગ ચાંપવાની ઘટનાઓ ઊભી કરવાના કારણે આંદોલનની નૈતિકતા નબળી પડી શકે છે. હું તમામ યુવાઓને હિંસા ન કરવા માટે અપીલ કરું છું. હું મારો ઉપવાસ ખતમ કરી રહ્યો છું અને તંત્રને પણ ટિયર ગેસના સેલ ન છોડવા કહી રહ્યો છું. કોઈ પણ ભૂખ હડતાળ ત્યાં સુધી સફળ નથી, જ્યાં સુધી સંઘર્ષમાં કોઈનો જીવ જાય.’
6 ઑક્ટોબરે બેઠક
લદાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવાની માંગ પૂરી ન થવાના કારણે આ આંદોલન ચાલી રહ્યું છે. આ માંગણીઓને લઈને લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ પણ અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી. હવે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય 6 ઑક્ટોબરે લદાખના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરશે.


