જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જાણકારી અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો પર છુપાયેલા આતંકવાદીઓ ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી હાથ ધરતાં બંને વચ્ચે અંધાધૂધ ગોળીબાર થયો હતો. આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. જેમાં એક આતંકવાદી ઠાર થયો હોવાના અહેવાલ છે.
ત્રણ જવાન ઘાયલ
સુરક્ષા દળોએ વિસ્તારમાં ચુસ્ત નાકાબંધી કરી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોના ત્રણ જવાન ઘાયલ થયા છે. જેમાં એક સેનાના અધિકારી છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુલગામ એન્કાઉન્ટર દરમિયાન અત્યારસુધી ઓપરેશનમાં એક આતંકવાદી ઠાર થયો છે. તે સફરજનની વાડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે સુરક્ષા દળની ગોળીનો શિકાર બન્યો. ગુડ્ડાર વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી અન્ય આતંકીની શોધખોળ થઈ રહી છે. આ આતંકવાદી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે.
સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું હતું કે, સર્તક જવાનોને સંદિગ્ધ ગતિવિધિની બાતમી મળી હતી. બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાતા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ અથડામણમાં એક આતંકી ઠાર થયો હતો. જ્યારે એક જુનિયર કમિશન્ડ ઓફિસર ઘાયલ થયો હતો.
ઈન્ટરનેશનલ બોર્ડર પરથી પાકિસ્તાની નાગરિકની ધરપકડ
આતંકવાદીઓ સાથેની અથડામણ વચ્ચે જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક પાકિસ્તાની નાગરિકની અટકાયત કરી છે. બીએસએફના જવાનોએ ગઈકાલે સાંજે સરહદ નજીક સંદિગ્ધ ગતિવિધિ જોવા મળી હતી. બીએસએફ જવાનોએ તુરંત સર્ચ ઓપરેશન હાથ ધરી એક પાકિસ્તાની નાગરિકની અટકાયત કરી હતી. જેની પૂછપરછ થઈ રહી છે. હજી સુધી ઓળખ થઈ નથી. બીએસએફના અધિકારીએ જણાવ્યું કે, પ્રારંભિક પૂછપરછ ચાલી રહી છે. ત્યાર બાદ તેના હેતુ અને પૃષ્ઠભૂમિ વિસે માહિતી મળશે. સરહદ પર સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ચુસ્ત બંદોબસ્ત તેમજ સર્ચ ઓપરેશન ચાલુ છે.