'ભારત સામે ટેરિફ ઝીંકવાનો નિર્ણય યોગ્ય...', યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ અમેરિકાનું કર્યું સમર્થન
Ukraine War: યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ભારત પર અમેરિકા તરફથી ટેરિફ લાદવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ રશિયાને તાકાત પૂરી પાડનારા દેશ વિરુદ્ધ આકરા પગલાં લીધા છે, તેમાં કંઈ જ ખોટું નથી. ચીન, રશિયા અને ભારતના વડા એક મંચ પર જોવા મળ્યા હતા. હું માનું છુ કે, ભારત પર ટેરિફ લાદવાનો અમેરિકાનો નિર્ણય યોગ્ય છે. રશિયા સાથે વેપાર કરનારાઓ પર પ્રતિબંધ લાદવો જરૂરી છે.
ઝેલેન્સ્કીએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં આ નિવેદન આપ્યું હતું. તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, રશિયા પર વધુને વધુ પ્રતિબંધો લાદવાથી યુક્રેનને મદદ મળશે કે કેમ? જેનો જવાબ આપતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, હું ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંથી ખુશ છું. રશિયા સાથે કોઈ પણ પ્રકારની ડીલ કરવી યોગ્ય નથી. તેના પરના પ્રતિબંધોનું સમર્થન કરું છું. ડોનાલ્ડ ટ્રમ્પ જાણે છે કે, કેવી રીતે પુતિનને રોકી શકાય. પુતિનનું સૌથી મોટું હથિયાર વિશ્વના અન્ય દેશોને ક્રૂડ અને ગેસનું વેચાણ છે. તેમની આ તાકાત છીનવવી પડશે.
ભારત પર ટેરિફ યોગ્ય
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને યોગ્ય ઠેરવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, મોદી, પુતિન અને શી જિનપિંગ વચ્ચે બેઠક જોવા મળી. મોદીને તેમની સાથે જોઈને તમને કેવું લાગ્યું ? શું તમે માનો છો કે, ટ્રમ્પ સરકારનો ટેરિફનો નિર્ણય બેકફાયર થયો? આનો જવાબ આપતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, ભારત પર ટેરિફ લાદવાનો અમેરિકાનો નિર્ણય યોગ્ય છે. રશિયા સાથે વેપાર કરનારા પર પ્રતિબંધો લાદવા જરૂરી છે. અલાસ્કા સમિટ વિશે ઝેલેન્સ્કીને કોઈ ખાસ માહિતી નથી. પરંતુ ટ્રમ્પે પુતિનને તે તમામ વાતો કહી છે કે, જે યુક્રેન કહેવા માગતું હતું.
શું ઝેલેન્સ્કી મોસ્કો જશે?
ઝેલેન્સ્કીએ આગળ જણાવ્યું કે, ટ્રમ્પે મને તક આપી અને રેડ કાર્પેટ પાથરી દીધી. પુતિને મોસ્કોમાં આવી યુક્રેન શાંતિ માટે વાટાઘાટ કરવાની ઓફર મૂકી છે. જો કે, તેઓ પણ કીવ આવી શકે છે. જ્યારે મારા દેશને મિસાઇલોના ભય હેઠળ જીવાડનારાની રાજધાનીમાં હું કેવી રીતે જઈ શકું. તેમણે વાત કરવી હતી, તો યુદ્ધની શરુઆત કેમ કરી. અમે સતત વાટાઘાટની માગ કરી રહ્યા હતા. અમે વાત કરવા તૈયાર છીએ.