Salman Khan Rajshree Pan Masala Case: એવું લાગી રહ્યું છે કે સલમાન ખાન અને રાજસ્થાનને વિવાદ સાથે જૂનો નાતો છે. પહેલા હરણ શિકાર કેસમાં જોધપુર કોર્ટમાં લાંબા ચક્કર કાપ્યા બાદ હવે કોટા જિલ્લા ગ્રાહક અદાલતે અભિનેતા સલમાન ખાનને નોટિસ ફટકારી છે. રાજશ્રી પાન મસાલા જાહેરાતના ભ્રામક પ્રચાર માટે 20 જાન્યુઆરીએ રૂબરૂ હાજર રહેવાનો કોર્ટે સલમાન ખાનને નિર્દેશ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રાજશ્રી પાન મસાલાની જાહેરાતો યુવાનોમાં પાન મસાલા પ્રત્યે આકર્ષણ વધારે છે, જેના કારણે કેન્સર જેવા રોગો થાય છે. ફરિયાદીએ માંગ કરી છે કે આવા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની સાથે તેમની જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે.
શું છે આખો વિવાદ?
રાજશ્રી પાન મસાલાની ભ્રામક જાહેરાત અંગે કોટા ગ્રાહક અદાલતમાં સલમાન ખાન વિરુદ્ધ અપીલ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે નોટિસ આપી હતી. અપીલમાં સલમાન ખાન પર યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સલમાન યુવાનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે અને નુકસાન પહોંચાડી રહ્યો છે. ફરિયાદી, ઇન્દર મોહન સિંહ હનીએ સલમાન અને રાજશ્રી પાન મસાલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે જાહેરાતમાં સલમાન ખાન દાવો કરે છે કે ઉત્પાદન એલચી અને કેસરથી ભરેલું પાન મસાલા છે, જે પાઉચમાં માત્ર 5 રૂપિયામાં મળે છે. ફરિયાદીનો દાવો છે કે કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ 4 લાખ રૂપિયા છે, અને તેથી ઉત્પાદનમાં કેસરનો દાવો ભ્રામક છે.
ફક્ત 'સિલ્વર કોટેડ એલચી'નો પ્રચાર: સલમાન ખાનનો જવાબ
આ પહેલા સલમાન ખાને આ આરોપનો જવાબ દાખલ કર્યો છે, જેમાં સલમાન ખાન તરફથી કહેવામાં આવ્યું છે કે 'તેણે ફક્ત 'સિલ્વર કોટેડ એલચી'નો પ્રચાર કર્યો હતો, ગુટખા કે તમાકુ પાન મસાલાનો નહીં. સલમાન ખાનના વકીલે એવો પણ દાવો કર્યો હતો કે કોટાની ગ્રાહક અદાલત પાસે આ મામલે અધિકારક્ષેત્ર નથી. આ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીનું કામ છે. મહત્ત્વનું છે કે સલમાન ખાનના જવાબ પર કોર્ટમાં ચર્ચા થઈ ચૂકી છે. જે બાદ તેમના હસ્તાક્ષર ચકાસવા, નમૂના સહી આપવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં હવે વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ થશે.
કોટા ગ્રાહક કોર્ટે 3 નવેમ્બર, 2025ના રોજ સલમાન ખાનને નોટિસ પાઠવી હતી, જે પછી 27 નવેમ્બરના રોજ જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. પણ 9 ડિસેમ્બરની સુનાવણી દરમિયાન, ફરિયાદીએ દાવો કર્યો હતો કે જવાબ પરની સહી સલમાન ખાનની નથી, આ સહી જોધપુર જેલના રૅકોર્ડ અથવા અન્ય અદાલતોમાં દાખલ કરાયેલા જવાબો સાથે મેળ ખાતી નથી. ત્યારે કેસમાં નવો વળાંક આવ્યો હતો. કોર્ટે હવે આજે 26 ડિસેમ્બરે આ સહીઓની ફોરેન્સિક તપાસનો આદેશ આપ્યો છે. સલમાન ખાનને 20 જાન્યુઆરીએ રૂબરૂ હાજર રહેવાનું ફરમાન જાહેર કર્યું છે.


