બંગાળમાં વધુ એક દુષ્કર્મની ઘટના, IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે હેવાનિયત
Kolkata IIM Girl Sexual Assault Case: કોલકાતામાં તાજેતરમાં જ લૉ કોલેજમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. એવામાં હવે ફરી શુક્રવારે રાત્રે કોલકાતામાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસની બોયઝ હોસ્ટેલમાં તેના સહાધ્યાયી દ્વારા પીડિતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેણે મોડી સાંજે હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી છે અને સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.
IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
પોલીસના જણાવ્યા અનુસાર, બેંગલુરુના રહેવાસી આરોપી પરમાનંદ ટોપ્પનવર સંસ્થાના બીજા વર્ષનો વિદ્યાર્થી છે. આરોપી અને પીડિતા એકબીજાને પહેલાથી ઓળખતા હતા. બંનેની પહેલી મુલાકાત ઓનલાઈન થઈ હતી, જે બાદમાં અભ્યાસ અને કારકિર્દીના કારણે બંને વચ્ચે વાતચીત શરુ થતી હતી. શુક્રવારે આરોપીએ મહિલાને કેમ્પસમાં બોલાવી અને કાઉન્સલિંગ સેશનમાં મદદ કરવાનું કહ્યું હતું. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, 'જ્યારે હું સંસ્થા પહોંચી ત્યારે આરોપીએ મને વિઝિટર રજિસ્ટરમાં મારું નામ નોંધાવવા માટે ના પાડી હતી. આમ છતાં, તેની પર વિશ્વાસ કરીને હું કેમ્પસની અંદર ગઈ.'
આરોપી હિંસક બની ગયો અને પીડિતાને માર માર્યો
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ કહ્યું હતું કે, 'આરોપી મને કોઈ બહાને બોયઝ હોસ્ટેલમાં લઈ ગયો, જ્યાં તેણે મને પીઝા અને કોલ્ડ્રીંક આપ્યું. કોલ્ડ્રીંક પીધા પછી મને ચક્કર આવવા લાગ્યા અને હું અસ્થિર થઈ ગઈ. ત્યારબાદ મેં વોશરૂમ જવા માટે કહ્યું ત્યારે આરોપીએ મારી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો જેનો વિરોધ કરતા મેં તેને થપ્પડ મારી જેથી આરોપી હિંસક બની ગયો અને મને માર માર્યો અને મારી સાથે દુષ્કર્મ કર્યું.'
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, 'હું થોડા સમય માટે અર્ધબેભાન અવસ્થામાં હતી અને પછી બેભાન થઈ ગઈ. સાંજે જ્યારે મને ભાન આવ્યું, ત્યારે હું હોસ્ટેલરૂમમાં એકલી હતી. ત્યારબાદ મેં એક મિત્રનો સંપર્ક કર્યો અને કોઈક રીતે સંસ્થામાંથી બહાર નીકળીને પોલીસ સ્ટેશન પહોંચી.'
આરોપીની ધરપકડ કરવામાં આવી છે
પીડિતાએ પહેલા ઠાકુરપુકુર પોલીસ સ્ટેશન અને પછી હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 64 (બળાત્કાર) અને 123 (ઇરાદાપૂર્વક ઝેર અથવા અન્ય હાનિકારક પદાર્થ દ્વારા ઇજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે.