AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ
Images Sourse: IANS |
Ahmedabad Plane Crash Report: અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફક્ત 32 સેકન્ડમાં આકાશમાંથી પડી ગયું હતું. AAIBના રિપોર્ટ અનુસાર, બન્ને એન્જિન બંધ થયા છતાં પાયલટ અંતિમ શ્વાસ સુધી વિમાનને બચાવવાનો પ્રયાસ કરતા હતા. જો કે, એન્જિન-1માં રિકવરી શરુ થઈ ગઈ હતી, પરંતુ એન્જિન 2ને ચાલુ કરી શકાયું નહીં.
AAIB રિપોર્ટમાં મહત્ત્વના ઘટસ્ફોટ થયા
AAIBના રિપોર્ટ અનુસાર, પાયલટે મેડે (MAYDAY) કોલ આપ્યો હતો. જો કે, થોડી જ સેકન્ડો પહેલા જ વિમાનને બચાવવા માટે છેલ્લો પ્રયાસ કર્યો હતો. મેડે કોલના માત્ર 13 સેકન્ડ પહેલા પાયલટે એન્જિન ફ્યુલ કંટ્રોલ સ્વિચને કટઑફથી રનમાં પરત ફેરવ્યું, જેનો અર્થ થાય છે કે, એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી.
•12મી જૂને બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 52 સેકન્ડ પર ફ્યુઅલ સ્વિચ રન પર લાવવામાં આવી.
•બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 54 સેકન્ડ પર ઓક્સિલરી પાવર યુનિટ (APU) ઇનલેટ દરવાજા ખુલવા લાગ્યા. જેનાથી એન્જિન શરુ થવાની પ્રક્રિયા એક્ટિવ થઈ હતી.
•બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 56 સેકન્ડ પર એન્જિન 2ની સ્વિચ પણ રન કરવામાં આવ્યું.
આ પ્રક્રિયા દરમિયાન ફૂલ ઑથોરિટી ડિજિટલ એન્જિન કંટ્રોલ (FADEC) સિસ્ટમ આપમેળે ફ્યુલ અને ઇગ્નિશનનો કંટ્રોલ લઈ લે છે. બંને એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર(EGT)માં તીવ્ર વધારો જોવા મળ્યો, જે રિલાઈટ થવાનો સંકેત આપે છે.
એન્જિન 1 શરુ થઈ રહ્યું હતું અને એન્જિન 2 બંધ
•એન્જિન 1માં ફ્યુલ કટ ઑફ બાદ પણ પાયલટને રિકવરીની આશા હતી. તેની કોર સ્પીડ રોકાયા બાદ ફરી વધવા લાગી હતી, પરંતુ વિમાનને બચાવવા માટે તે પૂરતું નહતું.
•એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વાંરવાર ફ્યુલ નાંખવા છતાં વિમાનની સ્પીડ સતત ઘટતી ગઈ અને દુર્ઘટના ટાળવી અશક્ય થઈ ગઈ.
રેકોર્ડિંગ ક્યારે બંધ થયું?
બપોરે 1 વાગ્યાને 39 મિનિટ અને 11 સેકન્ડ પર એન્જિન એરક્રાફ્ટ ફ્લાઇટ રેકોર્ડર (EAFR)નું રેકોર્ડિંગ બંધ થયું હતું. ત્યારે વિમાનનો છેલ્લો ટેકનિકલ ડેટા રેકોર્ડ થયો હતો.
વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા
ઉલ્લેખનીય છે કે, 12મી જૂને બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતા વિમાન બી.જે. મેડિકલ કૉલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અને 19 અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.