LIVE | વિશ્વ હવે ચિંતાઓથી મુક્ત થશે તેવી આશા, હૈદરાબાદ હાઉસમાં PM મોદી અને પુતિનની બેઠક

Putin India Visit :રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ગઇકાલે વડાપ્રધાન મોદીએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું અને પછી બંને નેતાઓ એક જ ગાડીમાં બેસીને વડાપ્રધાનના નિવાસ સ્થાને બેઠક માટે ગયા હતા. આજે બંને નેતાઓ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ.
Putin Visit India LIVE UPDATES :
PM મોદીએ પુતિનને દીર્ઘદૃષ્ટા નેતા ગણાવ્યા
પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે 2001માં તમે પદ સંભાળ્યું અને પહેલીવાર ભારત આવ્યા હતા, તે વાતને 25 વર્ષ થઈ ગયા. તે પહેલી ભારત મુલાકાતમાં તમે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો નાંખ્યો હતો. મારા માટે પણ ખુશીની વાત છે કે તમારા અને મારા સંબંધોને પણ 25 વર્ષ થયા. તમે 2001માં જે ભૂમિકા નિભાવી તે એક દીર્ઘદૃષ્ટા નેતાનું ઉત્તમ ઉદાહરણ છે.
વિશ્વમાં ટૂંક સમયમાં જ શાંતિ સ્થપાશે: પીએમ મોદી
હૈદરાબાદ હાઉસમાં પુતિને યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવા માટે ભારતના પ્રયાસોના વખાણ કર્યા. જે બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, કે ભારત તટસ્થ નથી, ભારત શાંતિના પક્ષમાં છે. યુક્રેન સંકટ પર સતત વાતચીત થઈ રહી છે અને શાંતિ માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. શાંતિના માર્ગથી જ વિશ્વનું કલ્યાણ થશે અને શાંતિના દરેક પ્રયાસમાં ભારત તમારી સાથે છે. આ વિશ્વ ટૂંક સમયમાં જ ચિંતાઓથી મુક્ત થશે અને શાંતિ સ્થપાશે.
'ભારત તટસ્થ નથી, ભારત શાંતિના પક્ષમાં...': PM મોદી
હૈદરાબાદ હાઉસમાં પુતિન અને વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય વાર્તા શરૂ થઈ ચુકી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને કહ્યું કે, અમને વિશ્વાસ છે કે રશિયા અને યુક્રેન જલ્દી શાંતિના રસ્તે આગળ વધશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે, ભારત તટસ્થ નથી પરંતુ, ભારત મજબૂતી સાથે શાંતિના પક્ષમાં ઊભું છે.
PM મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ
PM મોદી અને પુચિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ ચુકી છે. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ટ્રેડ અને ડિફેન્સ સહિત અનેક મુદ્દે વાટાઘાટો થશે.
હૈદરાબાદ હાઉસ પહોંચ્યા પુતિન, વડાપ્રધાન મોદીએ કર્યું સ્વાગત
પ્રમુખ પુતિન હૈદરાબાદ હાઉસ પહોંચી ચુક્યા છે, જ્યાં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું. અહીં બંને નેતા 23મી ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે જેમાં બંને વચ્ચે ટ્રેડ અને ડિફેન્સ સહિત અનેક મુદ્દે વાટાઘાટો થશે.
મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન રાજઘાટ પહોંચી ચુક્યા છે. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઑફ ઑનર બાદ રાજઘાટ માટે રવાના થયા પુતિન
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઑફ ઑનર પ્રાપ્ત કર્યા બાદ રાજઘાટ માટે રવાના થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું અને તેમને વિદાય આપી. પુતિન હવે રાજઘાટ જશે, જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે.
રાષ્ટ્રપતિ મૂર્મુ અને પુતિને બંને દેશોના મહાનુભાવોનો પરિચય કરાવ્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં બંને દેશોના મહાનુભાવોનો પરિચય કરાવ્યો.
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી આપવામાં આવી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આગમન પર, પુતિનને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. હવે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે.
રશિયન પ્રમુખ પુતિન અને પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
રશિયન પ્રમુખ પુતિન અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં રાષ્ટ્રપતિ મુર્મૂ તેમનું ઔપચારિક સ્વાગત કરશે.
પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર અપાશે
રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ પુતિનના સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનરની તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં એસ.જયશંકર, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના અને સીડીએસ જનરલ અનિલ ચૌહાણ હાજર છે.
આજે પુતિનના પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ (5 ડિસેમ્બર 2025)
આજે વડા પ્રધાન મોદી સાથેની બેઠકમાં અનેક ક્ષેત્રો પર વાતચીત થવાની અને વેપાર, સંરક્ષણ અને ઊર્જા સંબંધિત ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
સવારે 11:00 વાગ્યે : સેરેમોનિયલ વેલકમ (ઔપચારિક સ્વાગત) માં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે.
સવારે 11:30 વાગ્યે: પુષ્પાંજલિ અર્પણ કરવા માટે રાજઘાટની મુલાકાત લેશે.
સવારે 11:50 વાગ્યે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે.
બપોરે 1:50 વાગ્યે : હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જ્યાં મુખ્ય જાહેરાતો થવાની સંભાવના છે.
સાંજે 7:00 વાગ્યે : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે.
રાત્રે 9:00 વાગ્યે : ભારતમાંથી રશિયા માટે પ્રસ્થાન કરશે અને તેમનો પ્રવાસ સમાપ્ત થશે.
પીએમ મોદી સાથે પુતિનની બેઠકનું મહત્વ
નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચેની આ રાજદ્વારી બેઠક ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. વાતચીતમાં મુખ્યત્વે આ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે:
ઊર્જા સહયોગ: ઓઇલ સપ્લાય અને ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં સહયોગના નવા માર્ગો શોધવા પર વાત થશે.
સંરક્ષણ ડીલ્સ: ભારતની મહત્ત્વપૂર્ણ S-400 એર ડિફેન્સ સિસ્ટમ અને Su-57 ફાઇટર જેટ્સની ખરીદી અંગે પણ વાતચીત આગળ વધવાની સંભાવના છે.
વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geopolitical) પરિવર્તનો વચ્ચે પુતિનનો આ પ્રવાસ ભારત-રશિયાના સંબંધોના મહત્વને દર્શાવે છે, જેમાં બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે.

