Get The App

20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન 1 - image


Uttar Pradesh Khap Panchayat: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની ખાપ પંચાયતે એક ફરમાન જાહેર કર્યું છે. ખાપ પંચાયતે કિશોરો માટે સ્માર્ટફોન અને છોકરા-છોકરીઓ બંને માટે હાફ-પેન્ટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. પંચાયતે વેસ્ટર્ન પ્રભાવને રોકવા અને સાંસ્કૃતિક મૂલ્યોની સુરક્ષા માટે આ જરૂરી ગણાવ્યું છે. આ સાથે જ પંચાયતે લગ્ન માટે પણ નવી ગાઇડલાઇન લાગુ કરી છે. 

ખાપ પંચાયતનું ફરમાન 

પંચાયતની ગાઇડલાઇન પ્રમાણે લગ્ન સમારોહ માત્ર ગામમાં અથવા ઘરે જ યોજાશે, લગ્ન મેરેજ હૉલમાં નહીં. આ સાથે જ મહેમાનોની યાદી મર્યાદિત રહેશે અને ખર્ચ નિયંત્રણમાં રાખવામાં આવશે. હવે લગ્નના આમંત્રણો વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે. 20 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે સ્માર્ટફોનનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. છોકરાઓ-છોકરીઓ બંને માટે હાફ-પેન્ટ પર પ્રતિબંધ રહેશે. પંચાયતનું કહેવું છે કે આ પગલું પરંપરાગત મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને અનિચ્છનીય પ્રથાઓને રોકવાના ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: 15 ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ, રાજસ્થાનની પંચાયતનું તઘલખી ફરમાન

છોકરીઓને મોબાઇલ ફોન આપવાથી ખરાબ ટેવ પડી શકે છે

ખાપ સભ્ય ચૌધરી બ્રજપાલ સિંહે કહ્યું કે, 'સમાજનો નિર્ણય સર્વોપરી છે. રાજસ્થાનમાં લેવાયેલા નિર્ણયની અમે પણ પ્રશંસા કરીએ છીએ. બાળકોને પોતાના પરિવાર અને વડીલો સાથે બેસીને યોગ્ય શિક્ષણ અને સામાજિક માર્ગદર્શન મળવું જોઈએ. 18-20 વર્ષની વયના છોકરાઓને ફોનની જરૂર નથી. આ નિર્ણયને પ્રોત્સાહન આપવા માટે ગામડાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.' બીજી તરફ દગડ ખાપના ચૌધરી ઓમપાલ સિંહે કહ્યું કે, 'છોકરીઓને મોબાઇલ ફોન આપવાથી ખરાબ ટેવો પડી શકે છે. આ જ નિયમ છોકરાઓ પર પણ લાગુ થશે. ફોન માત્ર ઘરમાં જ રાખવા જોઈએ.'

સમગ્ર રાજ્યમાં આ નિર્ણય લાગુ કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે

સ્થાનિક નિવાસી નરેશ પાલેકહ્યું કે, 'આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. સ્કૂલમાં મોબાઇલ અલગ છે, પરંતુ ઘરે તેનું નિયંત્રણ કરવું જરૂરી છે. આ નિર્ણય સમયસર અને યોગ્ય છે.' પંચાયતે આ નિર્ણયને સમગ્ર ઉત્તર પ્રદેશમાં લાગુ કરવા અને અન્ય ખાપો સાથે સંકલન સાધી રાજ્યવ્યાપી અભિયાન ચલાવવાનો પણ નિર્ણય લીધો છે. આ પગલા દ્વારા પંચાયત પરંપરાગત મૂલ્યો અને સામાજિક શિસ્તને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહી છે.