રૂમ બુક કરું છું હોટલમાં...', અભિનેત્રીના ગંભીર આરોપ બાદ કોંગ્રેસે ધારાસભ્યને કર્યા સસ્પેન્ડ
Kerala Congress Suspends MLA Rahul Mamkuttathil: કોંગ્રેસ પાર્ટીએ સોમવારે પોતાના કેરળના ધારાસભ્ય રાહુલ મમકુટ્ટાથિલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. થોડા દિવસો પહેલા જ એક અભિનેત્રીએ તેમના પર દુર્વ્યવહારના ગંભીર આરોપ લગાવ્યો હતો. આ પછી, કેટલીક અન્ય મહિલાઓએ પણ આવા જ આરોપો લગાવ્યા હતા. આ આરોપો પછી ધારાસભ્યએ યુથ કોંગ્રેસના કેરળ પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
રાહુલ મમકુટ્ટાથિલ ગત વર્ષે નવેમ્બરમાં પલક્કડ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં ચૂંટાયા હતા. કોંગ્રેસ નેતૃત્વ પર તેમનું રાજીનામું લેવા માટે સતત દબાણ હતું. કોંગ્રેસની અંદરથી ઘણા લોકો (જેમાં મહિલાઓ પણ સામેલ હતી) ખુલ્લેઆમ આ જ માગ કરી રહ્યા હતા.
અભિનેત્રી રીની એન જોર્જે લગાવ્યા હતા ગંભીર આરોપ
ગત અઠવાડિયે અભિનેત્રી રીની એન જોર્જે એક 'યુવા રાજનેતા' પર કોઈનું નામ લીધા વિના અશ્લીલ મેસેજ મોકલવાનો અને હોટલના રૂમમાં બોલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ રાહુલ મમકુટ્ટાથિલે ગુરુવારે કેરળ યુવા કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધુ હતું. આ આરોપો બાદથી જ એવી અટકળો શરૂ થઈ હતી કે તે પલક્કડના ધારાસભ્યનો ઉલ્લેખ કરી રહી હતી. ત્યારબાદ અન્ય મહિલાઓ પણ આગળ આવી અને તેમના પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો.
એક અહેવાલ પ્રમાણે એક મલયાલમ ચેનલે પણ એક ઓડિયો ક્લિપ જારી કરી હતી, જેમાં રાહુલ મમકુટ્ટાથિલ કથિત રીતે એક મહિલાને ગર્ભપાત કરાવવા માટે કહી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પર ઘણી મહિલાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હોવા છતાં, તેમની સામે અત્યાર સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
કોંગ્રેસ વિપક્ષના હુમલાનો આવી રીતે આપી રહી જવાબ
એક તરફ જ્યાં રાહુલ મમકુટ્ટાથિલ પર ધારાસભ્ય પદ છોડવાની માંગ વધી રહી છે પરંતુ બીજી તરફ કોંગ્રેસના નેતાઓનો એક વર્ગ સીપીઆઈ(એમ)ના ધારાસભ્ય એમ. મુકેશ સામેના આરોપો તરફ ઈશારો કરી રહ્યો છે. આ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, ગત વર્ષે રેપ કેસમાં ચાર્જશીટ દાખલ થયા પછી પણ શાસક સીપીઆઈ(એમ)એ તેમના ધારાસભ્ય એમ. મુકેશને રાજીનામું આપવા માટે મજબૂર નહોતા કર્યા.
ઉમા થોમસે રાજીનામાની કરી માગ
રાહુલ મમકુટ્ટાથિલના મામલે કોંગ્રેસના દિવંગત નેતા પીટી થોમસના પત્ની અને પાર્ટીના ધારાસભ્ય ઉમા થોમસે કહ્યું કે, 'તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.' તેમણે એમ પણ કહ્યું કે 'જો આરોપો ખોટા હતા તો મમકુટ્ટાથિલે તાત્કાલિક માનહાનિનો કેસ દાખલ કરવો જોઈતો હતો. પરંતુ આવું ન કર્યું. મૌન યોગ્ય નથી.'