India

'પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર મુદ્દો ઉઠાવે છે એટલે કાશ્મીરીઓ બચ્યા છે', ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન

By GS Team
24 Oct 20263 mins read
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાનું બારામુલ્લામાં વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કાશ્મીરીઓના અસ્તિત્વને પાકિસ્તાન સાથે જોડી, કલમ 370 ફરી લાગુ કરવાની માંગ કરી. ભાજપે આ નિવેદનને દેશદ્રોહી ગણાવી, અબ્દુલ્લા સામે કેસ દાખલ કરવાની અને દેશની માફી માંગવાની માંગ કરી છે. અબ્દુલ્લાએ લોકોને એકજૂટ થવા અને પોતાના હક માટે લડવા હાકલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર મુદ્દો ઉઠાવે છે એટલે કાશ્મીરીઓ બચ્યા છે', ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન

Farooq Abdullah Controversy Statement : નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાનું એક વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે. શનિવારે બારામુલ્લા ખાતે યોજાયેલા એક સંમેલનમાં બોલતા તેમણે કાશ્મીરીઓના અસ્તિત્વને પાકિસ્તાન સાથે જોડ્યું હતું. આ સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની કલમ 370 ફરી લાગુ કરવાની માંગ દોહરાવી હતી. ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, ‘કાશ્મીરીઓ માત્ર એટલા માટે બચેલા છે કારણ કે પાકિસ્તાન દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવતું રહે છે, બાકી તેમના પ્રત્યે ભારત સરકારના ઈરાદા બરાબર નથી.’

ભાજપે કરી ફારુક અબ્દુલ્લા સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવાની માંગ

ફારુક અબ્દુલ્લાના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. જમ્મુ-કાશ્મીર ભાજપના નેતા યુદ્ધવીર સેઠીએ આ નિવેદનની આકરી ટીકા કરતાં કહ્યું કે, પાકિસ્તાનને કાશ્મીરીઓના શુભચિંતક તરીકે દર્શાવવું એ દેશ વિરોધી કૃત્ય છે. તેમણે માંગ કરી છે કે દેશ વિરુદ્ધ ઝેર ઓકનારા ફારુક અબ્દુલ્લા સામે દેશદ્રોહનો ગુનો નોંધવો જોઈએ અને તેમણે આ નિવેદન બદલ દેશની માફી માંગવી જોઈએ.

જ્યાં સુધી પોતાના પગ પર ઊભા નહીં રહો, ત્યાં સુધી સન્માન નહીં મળે: ફારુક અબ્દુલ્લા

બારામુલ્લામાં લોકોને સંબોધતા નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષે આગળ કહ્યું છે કે, ‘જ્યાં સુધી તમે પોતાના પગ પર ઊભા નહીં રહો, ત્યાં સુધી તમને ક્યારેય સન્માન નહીં મળે, મારી આ વાત યાદ રાખજો. જો તમે પગભર થવા માંગતા હોવ તો સૌ પ્રથમ તમારા ઈશ્વરને યાદ કરો અને તેમના બતાવેલા સાચા માર્ગ પર ચાલો.’ તેમણે ઉમેર્યું કે આ જ સાચી શક્તિ છે અને આપણે રાજકારણમાં એવા ઘણા મોટા નેતાઓને જોયા છે જેમણે લોકો પર અત્યાચાર ગુજાર્યા છે. તેથી જ્યાં સુધી લોકો એકજૂટ નહીં થાય, ત્યાં સુધી કોઈ અધિકાર મેળવી શકાશે નહીં.

આપણા બાળકો ઇતિહાસ નથી જાણતા: નેશનલ કોન્ફરન્સ અધ્યક્ષ

નવી પેઢી અંગે ચિંતા વ્યક્ત કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, ‘આપણા બાળકો કોઈ ઇતિહાસ જાણતા નથી. પૂછો કે આપણે ક્યાં હતા અને અહીં સુધી કેવી રીતે પહોંચ્યા. આજે આપણા બાળકો હાથમાં મોબાઇલ લઈને ફરે છે પરંતુ માતા-પિતાને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. જમ્મુમાં NC, કોંગ્રેસ અને BJP છે જ્યારે કાશ્મીરમાં કેટલી બધી પાર્ટીઓ ઊભી કરી દેવામાં આવી? દરેક ઘરમાં પાર્ટી ઊભી કરાઈ છે. બસ પૈસા આવે છે અને લોકો પોતાનું ઈમાન વેચવા તૈયાર થઈ જાય છે.’

ભાજપ શાસિત રાજ્યોમાં ચાલતા બુલડોઝર એક્શન પર પણ સાધ્યું નિશાન

દેશના અન્ય રાજ્યોની સ્થિતિ અંગે વાત કરતાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, ‘ભારતના બાકીના ભાગોમાં જ્યાં ભાજપની સરકારો છે, શું તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે લોકોની વસાહતો ઉજ્જડ કરવામાં આવી રહી છે, લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે અને દુકાનો તોડવામાં આવી રહી છે? શું આ બધું તમારાથી છુપાયેલું છે?’ તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર જમ્મુ-કાશ્મીરની ઓળખ છીનવી લેવાનો આરોપ મૂક્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે કલમ 370ની પુનઃસ્થાપના માટે લડત ચાલુ રહેશે, કારણ કે પોતાના હકની માંગ કરવી એ દેશ વિરોધી હોવું નથી.