બેંગાલુરુ, તા. 21. ઓગસ્ટ, 2022 રવિવાર
કર્ણાટકમાં તાજેતરમાં વીર સાવરકર અને ટીપુ સુલ્તાનના પોસ્ટર વિવાદમાં કોમી રમખાણ થઈ ગયુ હતુ.
એ પછી હવે રાજ્યમાં વીર સાવરકરના પોસ્ટરો ફરી ચર્ચામાં છે.હિન્દુ સંગઠન શ્રીરામ સેનાએ આગામી ગણેશોત્સવ દરમિયાન ગણપતિ પંડાળોમાં ભગવાન ગણપતિની સ્થાપનાની સાથે સાથે વીર સાવરકરના પોસ્ટરો અથવા પ્રતિમાઓ મુકવાનુ નક્કી કર્યુ છે.આ માટે સમગ્ર રાજ્યમાં અભિયાન શરુ કરવામાં આવ્યુ છે.
મીડિયા રિપોર્ટમાં શ્રી રામ સેનાને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે, વિજયપુર વિસ્તારમાં 250 ગણેશોત્સવના આયોજકોને સાવરકર કોણ હતા તેની જાણકારી આપવામાં આવશે.સાથે સાથે કોંગ્રેસના નેતા અને્ પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયાને સાવરકર પર લખેલા પુસ્તકો મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શિવમોગામાં સાવરકર અને ટીપુ સુલતાનના પોસ્ટરોને લઈને થયેલી બબાલ બાદ કોંગ્રેસના નેતા સિધ્ધારમૈયાએ સાવરકરને લઈને આપત્તિજનક નિવેદન આપ્યુ હતુ.એ પછી સિધ્ધારમૈયાને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી.જેને લઈને રાજ્ય સરકારે તપાસનો આદેશ પણ આપ્યો હતો.


