'ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી, અંગ્રેજો જતા રહ્યા પણ..', કર્ણાટક હાઈકોર્ટ કેમ ભડકી?

| (IMAGE - IANS) |
Karnataka HC calls Indian Society Racist: કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં એક સુનાવણી દરમિયાન ભારતીય સમાજ અંગે ખૂબ જ આકરી અને મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, 'ભારતીય સમાજ દુનિયાના સૌથી વધુ જાતિવાદી(racist) અને રંગભેદ કરનારા સમાજોમાંથી એક છે.' હાઈકોર્ટના જસ્ટિસ અરુણે શુક્રવારે એન્કર સુધીર ચૌધરી વિરુદ્ધ કર્ણાટક રાજ્ય કેસની સુનાવણી દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
માત્ર એક જ પ્રજાતિ: હોમો સેપિયન્સ
જસ્ટિસ અરુણે કહ્યું કે, 'આપણે ભારતીયો ભલે ઘણીવાર અન્ય દેશો પર જાતિવાદ અને રંગભેદનો આરોપ લગાવીએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે પોતે જ સૌથી મોટા રંગભેદી છીએ. આપણા ભારતીયોની... આપણા દરેક સમુદાયની આ જ સમસ્યા છે કે આપણે નથી સમજતા કે અહીં ફક્ત એક જ પ્રજાતિ છે, જેને હોમો સેપિયન્સ કહે છે. આપણે વિશ્વના સૌથી મોટા જાતિવાદી સમાજોમાંથી એક છીએ... સત્ય એ છે કે આપણે પણ કોઈથી ઓછા નથી.'
સમાજ આધારિત રાજનીતિ અને રાજકીય પસંદગી
જસ્ટિસ અરુણે આ 'જાતિવાદી માનસિકતા'ને ભારતમાં સમુદાય આધારિત રાજનીતિ અને તુષ્ટિકરણની નીતિઓ માટે જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે, 'સમાજના આ જ વલણને કારણે રાજકીય પક્ષો પણ તે મુજબ જ નેતાઓની પસંદગી કરે છે. આપણે દરેક સમુદાયને અલગ પ્રજાતિની જેમ જોઈએ છીએ અને તેના આધારે જ ભેદભાવ કરીએ છીએ. આ જ કારણે રાજકારણમાં ટિકિટ આપતી વખતે પણ પક્ષો ઉમેદવારની યોગ્યતા કરતાં તેના સમુદાયને વધુ મહત્ત્વ આપે છે.'
તેમણે રાજકીય વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'આપણે કહીએ છીએ કે નેતાઓ ભ્રષ્ટ છે, પરંતુ સત્ય એ છે કે લોકશાહીમાં જનતાને તે જ નેતા મળે છે જેના માટે તે યોગ્ય હોય છે.'
ગુલામી અને નવ-ઉપનિવેશવાદ
જસ્ટિસ અરુણે ભારતની ગુલામી માટે પણ આ જાતિવાદી અને રંગભેદી વિચારસરણીને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે, 'ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમુક હજાર અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા, કારણ કે તે સમયે આપણામાં 'ભારતીયતા'નો કોઈ બોધ નહોતો.'
તેમણે ચિંતા વ્યક્ત કરી કે, '200 વર્ષની ગુલામી પછી એ ભાવ આવ્યો, તો આપણે અંગ્રેજોને ભગાડી દીધા. પણ હવે ખાનગી કંપનીઓ અને કોર્પોરેટ સેક્ટરનો નવ-ઉપનિવેશવાદ શરૂ થઈ ગયો છે. આનું કારણ ફરી એ જ છે... આપણે ફરી જૂની આદત પર પાછા ફર્યા છીએ કે... માણસને માણસ તરીકે ન જોવો."
સુધીર ચૌધરીના હેટ સ્પીચ કેસની સુનાવણી
હાઈકોર્ટની આ ટિપ્પણી ન્યૂઝ એન્કર સુધીર ચૌધરી વિરુદ્ધ 2023માં નોંધાયેલા એક હેટ સ્પીચ કેસને રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. ચૌધરી પર કર્ણાટક સરકારની 'સ્વાવલંબી સારથી યોજના' પર ખોટો અને ઉશ્કેરણીજનક રિપોર્ટ ચલાવવાનો આરોપ હતો.
સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણે પૂછ્યું કે, શું રિપોર્ટમાં ખરેખર કોઈ તથ્યાત્મક જૂઠ હતું, જેના જવાબમાં ફરિયાદીના વકીલે કહ્યું કે શોમાં મુસ્લિમ સમુદાયનું દાનવીકરણ કરવામાં આવ્યું અને તેમની વિરુદ્ધ ઘૃણા ફેલાવવામાં આવી. જોકે, જસ્ટિસ અરુણે કહ્યું કે જો રાજ્ય અને ફરિયાદી એ સાબિત નહીં કરી શકે કે રિપોર્ટમાં સ્પષ્ટ જૂઠ કહેવામાં આવ્યું હતું, તો ચેનલ અને એન્કરને રાહત મળી શકે છે.
અંતરિમ આદેશ પસાર કરતાં જસ્ટિસ અરુણે કહ્યું કે પ્રતિવાદીઓ ભલે ઉશ્કેરણીજનક કોન્ટેન્ટનો દાવો કરી રહ્યા હોય, પણ તેઓ એ સાબિત કરવામાં સક્ષમ નથી કે કઈ હકીકત ખોટી છે. આ મામલાની આગામી સુનાવણી 13 જાન્યુઆરી, 2026ના રોજ થશે.

