કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઇકમાન્ડ?

Karnataka Congress: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે તેનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે, જેને પગલે રાજ્યના રાજકારણમાં મુખ્યમંત્રી પરિવર્તનનો મુદ્દો ફરી ગરમાયો છે. નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારને સમર્થન આપતાં ધારાસભ્યોએ હવે તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે દિલ્હી હાઇકમાન્ડના દરબારમાં ધામા નાખ્યા છે.
CM સિદ્ધારમૈયાએ બદલ્યો સૂર
અહેવાલો અનુસાર, સત્તા પરિવર્તનની માંગ વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, જેમણે અગાઉ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો, તેમણે હવે પોતાનો સૂર બદલી નાખ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ આ અંગે જે પણ નિર્ણય લેશે, તે તેમને અને ડી. કે. શિવકુમાર બંનેને સ્વીકારવો પડશે.
નોંધનીય છે કે, ડી. કે. શિવકુમારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો સંકેત આપ્યા પછી, તેમના સમર્થક ધારાસભ્યો સત્તા પરિવર્તનની માંગ સાથે સતત દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે.
અઢી-અઢી વર્ષના સત્તા-વહેંચણી કરાર
વર્ષ 2023માં કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી જીતી ત્યારે જ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે CM પદ માટે જોરદાર ટક્કર થઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, કોંગ્રેસ નેતૃત્વ દ્વારા 18મી મે 2023ના રોજ બંને નેતાઓ વચ્ચે અઢી-અઢી વર્ષનો સત્તા-વહેંચણી કરાર નક્કી થયો હતો. આ કરાર સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા સહિતના અગ્રણી નેતાઓ હાજર હતા.
સિદ્ધારમૈયાએ વરિષ્ઠતાનો હવાલો આપીને પહેલા અઢી વર્ષ માટે CM તરીકે સેવા આપવાનો આગ્રહ રાખ્યો હતો. આ ફોર્મ્યુલા હેઠળ, સિદ્ધારમૈયા 2023માં મુખ્યમંત્રી બન્યા અને ડી. કે. શિવકુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા.
ડેડલાઇન પૂરી થતાં દબાણ વધ્યું
સિદ્ધારમૈયાનો મુખ્યમંત્રી તરીકેનો અઢી વર્ષનો કાર્યકાળ 20મી નવેમ્બરના રોજ પૂરો થયો છે. આ સમયમર્યાદા પૂરી થતાં જ ડી કે શિવકુમારના સમર્થકોએ સત્તા-વહેંચણી ફોર્મ્યુલાનો ઉલ્લેખ કરીને પાર્ટી નેતૃત્વ પર દબાણ લાવવાનું શરુ કરી દીધું છે.
આ લડાઈ હવે કર્ણાટકની રાજધાની બેંગલુરુથી દિલ્હીના રાજકીય કેન્દ્રોમાં પહોંચી ગઈ છે, જ્યાં હાઇકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

