'કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે...' ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો!

Image: IANS |
Karnataka CM Change: કર્ણાટકમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવા સમાચાર સામે આવ્યા છે કે, ઉપમુખ્યમંત્રી ડી. કે શિવકુમારના સમર્થક ધારાસભ્યોએ દિલ્હીમાં ડેરો જમાવ્યો છે. હવે એક ધારાસભ્યએ દાવો કર્યો કે, શિવકુમાર જલ્દી જ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. જોકે, મંગળવારે (26 નવેમ્બર) ધારાસભ્યોએ એવું પણ કહ્યું કે, પાર્ટી નેતૃત્વ અંતિમ નિર્ણય લેશે. વર્ષ 2023માં શિવકુમાર અને હાલના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે કથિત સમજૂતીના કારણે રાજ્યમાં ટોચના પદ માટે રસાકસી શરૂ છે.
હાઇકમાન્ડના નિર્ણયની રાહ
રામનગરથી ધારાસભ્ય ઇકબાલ હુસૈને કહ્યું કે, તમામ લોકો હાઇકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. આ સાથે જ તેમણે શિવકુમારના પ્રમોશન પર વિશ્વાસ વ્યક્ત કર્યો. અહેવાલો અનુસાર, તેમણે કહ્યું કે, 'હું હંમેશા મારા નિવેદન પર કાયમ છું... 200 ટકા તે જલ્દી મુખ્યમંત્રી બનશે. હાઇકમાન્ડ નિર્ણય લેશે. જેમ કે, અમારા નેતા (શિવકુમાર)એ કહ્યું કે, સત્તા હસ્તાંતરણનો ગુપ્ત કરાર 5-6 પાર્ટી નેતાઓ વચ્ચે થયો હતો અને તે 5-6 લોકો નિર્ણય લેશે.'
નવા ચહેરા અને યુવાનોને તક આપવાની વિનંત
મદ્દુરથી ધારાસભ્ય કે.એમ ઉદયે કહ્યું કે, ધારાસભ્યોએ હાઇકમાન્ડને મંત્રીમંડળમાં ફેરફાર દરમિયાન નવા ચહેરા અને યુવાનોને તક આપવાની વિનંતી કરી છે અને તેમને સંકેત મળી રહ્યા છે કે, આ વિશે વિચાર કરવામાં આવશે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ પર તેમણે કહ્યું કે, પાર્ટી નેતૃત્વ નિર્ણય કરશે અને તમામ તેનું પાલન કરશે.
શિવકુમારે શરૂ કરી સિક્રેટ ડીલની ચર્ચા
શિવકુમારે મંગળવારે (25 નવેમ્બર) કહ્યું કે, હું મુખ્યમંત્રી બદલવાના મુદ્દા પર સાર્વજનકિ રીતે વાત કરવા નથી ઈચ્છતો. કારણ કે, આ પાર્ટીમાં ચાર-પાંચ લોકો વચ્ચે એક 'સિક્રેટ ડીલ' થઈ છે અને મને પોતાની અંતરાત્મા પર વિશ્વાસ છે.'
આ પમ વાંચોઃ કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી
પાર્ટી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શિવકુમાર સમર્થક છ ધારાસભ્યોનું એક સમૂહ રવિવારે રાત્રે હાઇકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યુ હતું અને અમુક અન્ય ધારાસભ્યોની જવાની આશા છે.
સિદ્ધારમૈયા ખાલી કરશે ખુરશી?
નોંધનીય છે કે, 20 નવેમ્બરે કોંગ્રેસ સરકારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળના અઢી વર્ષ પૂરા કર્યા છે. ત્યારથી જ સત્તા હસ્તાંતરણની ચર્ચા તેજ થઈ ગઈ છે. કારણ કે, 2023માં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે કથિત 'પાવર શેરિંગ'ની સમજૂતીનો દાવો કરવામાં આવી રહ્યો છે. સિદ્ધારમૈયાએ હાલમાં જ કહ્યું હતું કે, તેઓ પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યમંત્રી રહેશે અને ભવિષ્યમાં રાજ્યનું બજેટ રજૂ કરવાનું શરૂ રાખશે.

