Get The App

સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ 1 - image


- એસઓજીએ દરોડો પાડી એક આરોપીને ઝડપી પાડયો

- મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર છતાં સ્થાનિક ધજાળા પોલીસ અજાણ : કામગીરી સામે સવાલ : આરોપી સામે

સુરેન્દ્રનગર : એસઓજી પોલીસે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડયું છે. ખીટલા ગામની સીમમાંથી કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના રૂ.૨.૭૯ કરોડની કિંમતના ૧૮૦ છોડ (વજન ૫૫૯ કિલો)ના મુદ્દામાલ સાથે વાડી માલિકને ઝડપી લઈ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ધજાળા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સાયલા તાલુકાના ખીટલા ગામના રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ભૂપતભાઈ ખવડે ખીટલા ગામની પામર નામની સીમમાં આવેલી પોતાની વાડીમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડો કર્યોે હતો.

પોલીસે સ્થળ પર તપાસ કરતા કપાસની આડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે વાડીમાં કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના ૧૮૦ છોડ (કુલ વજન ૫૫૯ કિલો અને ૭૦૦ ગ્રામ) કબજે કર્યા હતા જેની કુલ કિંમત રૂપિયા ૨,૭૯,૮૫,૦૦૦ જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપાયા બાદ પોલીસ દ્વારા ખેતરમાંથી તમામ ગાંજો ઉખાડવા માટે ૧૨ જીઆરડી જવાનની મદદ લેવામાં આવી હતી અને અંદાજે ૧૯ કલાકની જહેમત બાદ કબજે કરવામાં આવેલ તમામ ગાંજો એક ટ્રેકટરમાં ભરવામાં આવ્યો હતો.

કેટલાક છોડ પર મધમાખીઓના મધપૂડા બેસી ગયા હતા. પોલીસે ધુમાડો કરીને મધમાખીઓને ઉડાડી પછી જ છોડ કબજે કર્યા. ગાંજાના છોડની લંબાઈ એટલી વધી ગઈ હતી કે આ લીલા છોડ ભરવા માટે કોથળા પણ ટૂંકા પડયા એટલે ૧૫-૨૦ ફૂટના પ્લાસ્ટિકના કંતાનમાં સીલિંગ કરીને એક આખું ટ્રેક્ટર ભરીને માલ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી રાજુ ખવડની ધરપકડ કરી ધજાળા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી પછી દરોડો પાડયો

પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકારનું મોટું વાવેતર અગાઉ ભાગ્યે જ જોવા મળ્યું છે. આરોપી રાજુ ખવડ પોતાના માટે તેમજ અન્ય ગાંજાના બંધાણી લોકોને વેચવા માટે વાવેતર કરતો હોવાની પણ વિગતો બહાર આવી હતી. મળતી માહિતી અનુસાર એસઓજી ટીમે પહેલા સ્થળની રેકી કરી હતી. રેકી દરમિયાન ખેતરમાં ગાંજાના વાવેતરની પુષ્ટી થયા બાદ પહેલા આરોપીને પકડી લીધો હતો. જેથી દરોડા દરમિયાન આરોપી નાસી ન જાય અને ત્યાર પછી દરોડો પાડવામાં આવ્યો હતો.

સાયલામાં સૌથી વધુ ગાંજો ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં, ખાસ કરીને સાયલા તાલુકાના અંતરિયાળ ગામોમાં, અવારનવાર ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાતું રહે છે.

૧. નડાળા ગામમાં ૫મી ઓક્ટોબર -૨૦૨૫માં કપાસના વાવેતરની આડમાં ૧૮.૧૫ લાખની કિંમતના ૬૯ ગાંજાના છોડ (૧૮૧ કિલો) સાથે ધજાળા પોલીસે વિપુલ ધીરૂભાઇ શેખને ઝડપાયો હતો.

૨. ધજાળા ગામમાં એસઓજી પોલીસે ૨૦મી ડિસેમ્બર,૨૦૨૪ના રોજ દરોડો પાડી એરંડાની આડમાં રૂ.૪૧,૫૦૦ની કિંમતના ૧૩ ગાંજાના છોડ (ચાર કિલો) સાથે સુમિત મેણીયાને ઝડપી પાડયો હતો. 

૩. ગંગાજળ ગામમાં એસઓજી પોલીસે ૧૮મી ડિસેમ્બર,૨૦૨૪ના રોજ ગભરુ દાદભાઇ ખાચરના મકાનના ફળિયામાં  રૂ.૧,૭૪,૫૦૦ની કિંમતના ૧૦ ગાંજાના છોડ (૧૭ કિલો ૪૫૦ ગ્રામ) ઝડપી પાડયા હતા.

૪. ધજાળા પોલીસ મથક વિસ્તારમાં આવતા નવા ગામ (બાવળીયા)ની સીમમાં એસઓજી પોલીસે ડ્રોનની મદદથી કપાસના વાવેતરની આડમાં રૂ.૧,૧૦, ૮૦૦ (૧૧ કિલો ૮૦ ગ્રામ)ની કિંમતના ગાંજાના છોડ સાથે માલાભાઇ ડાભીને ઝડપી પાડયા હતા.

૫. સાયલાના ઢીકવાળી ગામમાં ૨૮મી જુલાઇ ૨૦૨૩ના રોજ એસઓજી પોલીસે દરોડો પાડી ગાંજાનું વેચાણ કરતા લાખાભાઇ સવસીભાઇ ભરાડીયાને રૂ. ૨૫ હજારના (૨ કિલો ૫૦૦) ગાંજા સાથે ઝડપી પાડયા હતા.

Tags :