કર્ણાટકના ગૃહમંત્રીની હોસ્પિટલ પર EDની રેડ, રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસ સાથે કનેક્શન
ED raid at Home Minister Parmeshwara Hospital: કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવ સાથે જોડાયેલા સોનાની દાણચોરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીની ટીમે કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરની હોસ્પિટલની તપાસ કરી છે. તપાસ દરમિયાન, ED ને HMG પરમેશ્વર સાથે સંકળાયેલ રાન્યા રાવ અને સિદ્ધાર્થ મેડિકલ કોલેજ વચ્ચે પૈસાના વ્યવહારો મળ્યા. EDની ટીમ હોસ્પિટલના નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહી છે.
શરતોનું ઉલ્લંઘન થવામાં જામીન રદ થઇ શકે છે
તાજેતરમાં, સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય આરોપી રાન્યા રાવ અને સહ-આરોપી તરુણ કોંડારુ રાજુને સ્પેશિયલ કોર્ટ (આર્થિક ગુના) તરફથી જામીન મળ્યા છે. જસ્ટિસ વિશ્વનાથ સી. ગૌડરે બંનેને જામીન આપતા પોતાના આદેશમાં બે શરતો પણ લાદી છે. આ મુજબ, બંને દેશ છોડી શકતા નથી અને ફરીથી આવો ગુનો કરી શકતા નથી. આ શરતોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં જામીન રદ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.
બધા જ કેસમાં જામીન મળે પછી જ મુક્ત કરવામાં આવશે
જોકે, જામીન મળ્યા પછી પણ, રાન્યા રાવને હજુ સુધી મુક્ત કરવામાં નથી આવી. તેની સામે ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી તેને આ કેસમાં જામીન નહીં મળે ત્યાં સુધી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં. ડીઆરઆઈ અધિકારીઓએ હજુ સુધી તેમની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નથી.
શું છે આખો મામલો?
કન્નડ અભિનેત્રી રાન્યા રાવની 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 14.8 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી કરી હતી. રાન્યાની સાથે સોનાના વેપારીઓ સાહિલ જૈન અને તરુણ રાજુની પણ બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી. સાહિલે દાણચોરી કરેલા પૈસાનો નિકાલ કરવામાં મદદ કરી હતી. તે કર્ણાટકના બલ્લારીનો રહેવાસી છે.
રાન્યા રાવ કર્ણાટકના વરિષ્ઠ પોલીસ અધિકારી કે રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. પૂછપરછ બાદ, તેમના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યા હતા, જ્યાંથી 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કેસમાં હોટલ ઉદ્યોગપતિ તરુણ રાજુ પર સોનાની દાણચોરીમાં રાન્યા રાવને મદદ કરવાનો આરોપ છે. ડીઆરઆઈને શંકા છે કે આ સોનાની દાણચોરી કરતી સંગઠિત ગેંગ હોઈ શકે છે.