કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી
Kanpur Kanwar Yatra: કાનપુરના શિવરાજપુરમાં કાંવડ યાત્રા દરમિયાન એક શ્રદ્ધાળુ ઘાયલ થયા બાદ માહોલ તણાવપૂર્ણ બની ગયો છે. સાથી કાંવડિયાઓએ હોમગાર્ડ્ અને સ્કાઉટને દોષી ઠેરવતા તેમની સાથે મારપીટ કરી. ત્યારબાદ લગભગ 80-90 લોકો ઘટનાસ્થળ પરથી શિવરાજપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને ત્યાં પણ હોબાળો મચાવ્યો.
પોલીસ સ્ટેશનની બારીઓ તોડી નાખી
એવો આરોપ છે કે, કાંવડિયાઓ અને ભીડમાં સામેલ અન્ય લોકોએ પોલીસ સ્ટેશનમાં ઘૂસી જઈને ઈન્સ્પેક્ટર અને હોમગાર્ડ્સ સાથે ઝઘડો કર્યો અને ત્યારબાદ તેમની સાથે મારપીટ અને ગેરવર્તન કર્યું. કેટલાક લોકોએ પોલીસ સ્ટેશનની બારીઓ તોડી નાખી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પાંચ આરોપીઓને જેલ હવાલે કર્યા
ફૂટેજના આધારે પોલીસે 20 નામાંકિત અને 12 જેટલા અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે અને પાંચ આરોપીઓને જેલમાં મોકલી દીધા છે. આ ઘટના સોમવારે સાંજે ખેરેશ્વર ઘાટ પાસે બની હતી. અહીં ખેરેશ્વર મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. આવી સ્થિતિમાં ભીડને કાબુમાં લેવા માટે પોલીસકર્મીઓ, સ્કાઉટ્સ અને ઘણા સ્વયંસેવકો ઘટનાસ્થળ પર તહેનાત હતા.
આ પણ વાંચો: પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે
આ દરમિયાન ગંગા રોડ પર એક ભક્ત લપસીને પડી ગયો. ત્યારબાદ કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે, પોલીસના લાઠીચાર્જને કારણે તે પડી ગયો. તેના પર ગુસ્સે ભરાયેલા ટોળાએ એક સ્કાઉટ અને એક હોમગાર્ડ્ને માર માર્યો. પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો ચાલુ રહ્યો. ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું અને ત્યાં પણ તોડફોડ કરી હોબાળો મચાવ્યો.
આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલ શ્રદ્ધાળુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તપાસમાં સામે આવ્યું છે કે તે ખુદ જ લપસીને પડી ગયો હતો. કેટલાક અસામાજિક તત્વોએ મદદ માટે આવેલા સ્કાઉટ્સ અને હોમગાર્ડ્સ સાથે ઝઘડો કર્યો હતો. તેમણે પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.