Get The App

ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા 1 - image


Terrorist  Abdul Rauf Azhar  : પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરુ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. હવે આ ઓપરેશન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આતંકવાદી રઉફ અઝહર ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો છે. રઉફ અઝહર IC-814 વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો, જેને 'કંધાર પ્લેન હાઇજેક' તરીકે પણ ઓળખવામાં આવે છે.

અબ્દુલ રઉફ અઝહરની ભૂમિકા શું હતી?

અબ્દુલ રઉફ અઝહર 1999ના કંદહાર વિમાન હાઇજેક(IC-814)નો માસ્ટરમાઇન્ડ હતો. તે જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો નાનો ભાઈ હતો. રઉફે પોતાના ભાઈને ભારતીય જેલમાંથી મુક્ત કરાવવા માટે હરકત-ઉલ-મુજાહિદ્દીન અને ISI સાથે મળીને હાઇજેકિંગનું કાવતરું ઘડ્યું હતું. તેણે કાઠમંડુમાં ઓપરેશનનું કાવતરું રચ્યું હતું અને તેનો ભાઈ ઇબ્રાહિમ અતહર પણ સામેલ હતો. રઉફની ભૂમિકા રણનિતિ ઘડવા અને સૂચનાઓ આપવા સુધી મર્યાદિત હતી. બાદમાં તે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી હુમલાઓમાં સક્રિય હતો. તે ભારતમાં 'મોસ્ટ વોન્ટેડ' રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ધૂળ ચટાડી દીધી

જાણો IC-814 હાઇજેકની કહાની

24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુ(નેપાળ)થી દિલ્હી જતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814નું માસ્ક પહેરેલા 5 આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 176 મુસાફરો અને 15 ક્રૂ સભ્યો સવાર હતા. આ ભારતીય ઇતિહાસની સૌથી લાંબી અને ભયાનક હાઇજેકિંગ ઘટનાઓમાંની એક છે, જે 7 દિવસ સુધી ચાલી હતી. હાઇજેકર્સ વિમાનને અમૃતસર, લાહોર, દુબઈ અને અંતે અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા, જ્યાં તે સમયે તાલિબાનનું શાસન હતું.

વિમાને કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાં જ આતંકવાદીઓએ કોકપીટ પર કબજો કરી લીધો અને બંદૂકની અણીએ પાયલટને વિમાનને કાબૂલ લઈ જવાનો આદેશ આપ્યો. લાહોરમાં પાકિસ્તાની અધિકારીઓની પરવાનગી વિના લેન્ડિંગની મંજૂરી આપી અને ઇંધણ ભરવામાં આવ્યું. ત્યારબાદ વિમાન દુબઈ પહોંચ્યું, જ્યાં 27 મુસાદફરો (મહિલાઓ અને બાળકો) અને રુપિન કાત્યાલના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યા. અપહરણકર્તાઓ સાથેની અથડામણમાં કાત્યાલનું મોત થયું હતું.

25 ડિસેમ્બરને વિમાન કંધાર પહોંચ્યું, જ્યાં તાલિબાને મધ્યસ્થતા કરી. હાઇજેર્ક્સે પોતાની માંગો રાખી, જેમાં 36 આતંકવાદીઓની મુક્તિ, 200 મિલિયન ડૉલર અને મૃત્યુ પામેલા આતંકવાદી સજ્જાદ અફઘાનીની ડેડબોડી સામેલ હતી. લાંબી વાતચીત બાદ બહરત સરકારે મુસાફરોની સુરક્ષા માટે 3 આતંકવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો, જેમાં મૌલાના મસૂદ અઝહર (જૈશ-એ-મોહમંદના સંસ્થાપક), અહમદ ઉમર સઇદ શેખ અને મુશ્તાક અહમદ જરગર સામેલ હતા. 

31 ડિસેમ્બર 1999ના રોજ આ આતંકવાદીઓને કંધાર લઈ જવામાં આવ્યા, અને બદલામાં તમામ બંધકોને મુક્ત કરી દીધા. મુસાફરોને વિશેષ વિમાન મારફતે ભારત લાવવામાં આવ્યા. કંધાર હાઇજેકના માસ્ટર માઇન્ડ મૌલાના મસૂદ અઝહરને ગણવામાં આવે છે, જોકે તે સમયે ભારતીય જેલમાં બંધ હતો. આ હાઇજેકને આતંકવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીને અંજામ આપ્યો હતો, તેની પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની ભૂમિકા હોવાની વાત પણ સામે આવી હતી. હાઇજેકનો મુખ્ય ઉદ્દેશ્ય મસૂદ અઝહર સહિત ટોચના આતંકવાદીઓને મુક્ત કરાવવાનો હતો. 


Tags :