'હનીમૂન કરીને આવી અને સીધી ઝઘડવા લાગી...', TMCના બે દિગ્ગજ નેતા ફરી સામસામે
Kolkata Gangrape Case: પશ્ચિમ બંગાળમાં દક્ષિણ કોલકાતા લૉ કોલેજ ગેંગ રેપ કેસમાં નિવેદન આપવા બદલ ટીએમસી નેતાઓની વચ્ચે વિવાદ વકર્યો છે. પક્ષના સાંસદ કલ્યાણ બેનરજીએ ગેંગરેપ પર નિવેદન આપતાં તેઓ સવાલોમાં ઘેરાયા હતાં. તેમની ટીકા તેમના જ પક્ષના સાંસદ મહુઆ મોઈત્રાએ કરતાં મામલો બિચક્યો હતો. બંને સાંસદો એકબીજા પર આક્ષેપો કરતાં જોવા મળ્યા હતાં.
કલ્યાણ બેનરજી મોઈત્રા પર ભડક્યાં
કલ્યાણ બેનરજીએ ગેંગરેપ પર ટીકાજનક નિવેદન આપતાં મોઈત્રાએ તેમનો વિરોધ કર્યો હતો. જેનો જવાબ આપતાં બેનરજી મોઈત્રા પર ભડક્યા હતાં. કલ્યાણ બેનરજીએ કહ્યું કે, 'મહુઆ તેના હનીમૂન પછી ભારત પાછી આવી અને મારી સાથે ઝઘડો કરવા લાગી! તે મારા પર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે, તે પોતે શું છે? તેણે તેના 40 વર્ષ જૂના લગ્ન તોડીને 65 વર્ષના પુરૂષ સાથે લગ્ન કર્યા, શું તેણે મહિલાને નુકસાન પહોંચાડ્યું નથી?'
હાલમાં જ મોઈત્રાએ કર્યા લગ્ન
ઉલ્લેખનીય છે, ગયા મહિને જ મહુઆ મોઇત્રાએ જર્મનીના બર્લિનમાં બીજેડી નેતા અને વરિષ્ઠ વકીલ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. કલ્યાણ બેનર્જીએ મહુઆને આડે હાથ લેતાં કહ્યું કે તે તેના મતવિસ્તારની તમામ મહિલા નેતાઓની વિરુદ્ધ છે. ટીએમસી સત્તા પર આવ્યા બાદ 2016માં પક્ષમાં તે પક્ષમાં જોડાઈ અને પોતાને રાહુલ ગાંધીની મિત્ર ગણાવી રાજકારણ રમવાનું શરૂ કર્યુ હતું.
નૈતિકતાનું ઉલ્લંઘન કરનારી મને ઉપદેશ આપી રહી છેઃ બેનરજી
કલ્યાણ બેનરજીએ કહ્યું કે, એક એવી સાંસદ જેને નૈતિકતાના ઉલ્લંઘન બદલ સદનમાંથી હાંકી કાઢવામાં આવી હતી. તે આજે મને ઉપદેશ આપી રહી છે. તે સૌથી વધુ મહિલા વિરોધી છે. તે માત્ર પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા અને પૈસા કમાવવા માગે છે.
આ પણ વાંચોઃ '...તો હું રાજકારણ છોડી દઈશ', બિહાર ચૂંટણી ટાણે નીતિશ કુમાર અંગે PKની મોટી ભવિષ્યવાણી
બંને નેતાઓ વચ્ચે છેડાયો વિવાદ
મહુઆએ શનિવારે X પર પોસ્ટ કરી હતી કે, 'દેશના દરેક પક્ષમાં એવા લોકો છે જે મહિલાઓને નફરત કરે છે. TMC અન્ય પક્ષોથી અલગ છે. અમારો પક્ષ આ દ્વેષપૂર્ણ નિવેદનોની નિંદા કરે છે, પછી ભલે કોઈએ પણ આવા નિવેદનો આપ્યા હોય.' TMC દ્વારા કલ્યાણ બેનર્જીના નિવેદનની ટીકા બાદ મહુઆએ આ પોસ્ટ કરી હતી. પરંતુ કલ્યાણ બેનર્જીએ પક્ષની ટીકાનો વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, 'TMC દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટ સાથે હું સંપૂર્ણપણે અસંમત છું. શું પક્ષ આ ગુનેગારોને રક્ષણ આપનારા નેતાઓને પરોક્ષ રીતે ટેકો આપી રહી છે?'
કલ્યાણ બેનરજીએ આપ્યું હતું આ નિવેદન
કોલકાતા લૉ કોલેજ ગેંગરેપ મામલે કલ્યાણ બેનરજીએ નિવેદન આપ્યું હતું કે, જો કોઈ મિત્ર પોતાના મિત્ર પર દુષ્કર્મ આચરે તો તેને શું કહીશું? શું હવે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પોલીસ તૈનાત કરવી પડશે. વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થિની પર દુષ્કર્મ કર્યું છે. તેની સુરક્ષા કોણ કરશે. મહિલાઓએ આવા હુમલાખોરોથી સાવચેત રહેવુ જોઈએ.
પક્ષે બેનરજીના નિવેદન સાથે છેડો ફાડ્યો હતો
બેનરજીના આવા વિવાદાસ્પદ નિવેદન સાથે છેડો ફાડતાં ટીએમસીએ જણાવ્યું હતું કે, આ તેમનું અંગત નિવેદન છે. પક્ષના તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ પક્ષનો વિચાર નથી. મહિલાઓ વિરૂદ્ધ ગુના પર અમારી ઝીરો ટોલેરન્સ પોલિસી છે. અમે આ ગુનામાં સામેલ તમામ લોકોને આકરી સજા આપવાન માગ કરીએ છીએ.