Sadhvi Prem Baisa PM Report : જોધપુરમાં કથાવાચક સાધ્વી પ્રેમ બાઈસાના શંકાસ્પદ મૃત્યુનો મામલો સતત વિવાદિત બની રહ્યો છે. તપાસની સાથે નવા સવાલો પણ પેદા થઈ રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. જેના કારણે પોલીસ અને તપાસ એજન્સીઓની ચિંતાતુર બની છે. જોકે, સૂત્રો અનુસાર પોસ્ટમોર્ટમ દરમિયાન સાધ્વીના નાના અને મોટા આંતરડા અસામાન્ય રીતે લાલ જોવા મળ્યા હતા. જે શરીરમાં ઝેર ભળવાના કિસ્સામાં જોવા મળે છે. આ આધારે હવે સમગ્ર મામલો ઝેરની આશંકા તરફ વળતો જણાય છે. જોકે, હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ સત્તાવાર રીતે જાહેર કરાયો નથી. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ પણ કરાઈ નથી. હાલ, આ મામલે SITની રચના કરાઈ છે અને ઇન્જેક્શન આપનારા કમ્પાઉન્ડરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ ન થતા ડોક્ટરોએ વિસેરા સુરક્ષિત રાખ્યા છે અને તેની કેમિકલ તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસમાં ઝેરની પુષ્ટિ થશે, તો સૌથી મોટો સવાલ એ ઉભો થશે કે, ઝેર શરીરમાં કેવી રીતે પહોંચ્યું? પોલીસ આ એંગલથી તપાસ કરી રહી છે કે શું આ કોઈ કાવતરાનો ભાગ છે કે અન્ય કોઈ કારણ. હવે FSL રિપોર્ટ જ આ કેસમાં નિર્ણાયક સાબિત થશે.
ઝેરની આશંકા કેમ વધી?
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે સાધ્વીના આંતરડાનો રંગ સામાન્ય નહોતો. મેડિકલ નિષ્ણાતોના મતે, જ્યારે શરીરમાં ઝેર જાય છે ત્યારે ઘણીવાર આંતરડા લાલ થઈ જાય છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને વિસેરાની કેમિકલ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, લેબ રિપોર્ટ આવ્યા પહેલા ડોક્ટરો કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવાને ઉતાવળ માની રહ્યા છે.
ડેક્સોના ઈન્જેક્શને શંકા વધારી
આ દરમિયાન અન્ય એક ચોંકાવનારી વિગત સામે આવી છે. કમ્પાઉન્ડર દેવી સિંહે પોલીસને જણાવ્યું કે, સાધ્વી પ્રેમ બાઈસા અગાઉ પણ ઘણી વખત ડેક્સોના ઈન્જેક્શન લઈ ચૂક્યા હતા. ડેક્સોના એક સ્ટેરોઇડ દવા છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે અસ્થમાના દર્દીઓ માટે થાય છે. તે ફેફસાના સોજાને ઘટાડવામાં મદદરૂપ છે. જો કે તેનો ઓવરડોઝ શરીર માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
આશ્રમ બહારથી મળી દવાઓની બોટલ
તપાસ દરમિયાન આશ્રમની બહારથી અસ્થાલાઈનની બે બોટલ મળી આવી છે. આ દવા પણ શ્વાસ સંબંધી તકલીફો અને અસ્થમાના દર્દીઓ માટે વપરાય છે. હવે સવાલ એ ઉઠે છે કે, શું સાધ્વીને અસ્થમાથી પીડાતા હતા? જો હા તો તેમને ડેક્સોના ઈન્જેક્શન કોની સલાહથી અને કેટલી માત્રામાં આપવામાં આવ્યું? પોલીસ એ પણ તપાસી રહી છે કે આ ઈન્જેક્શન કોણે આપ્યું હતું?
FSL રિપોર્ટ પર સૌની નજર
હાલમાં પોલીસ અને તપાસ એજન્સીઓ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે. વિસેરાની કેમિકલ તપાસથી સ્પષ્ટ થશે કે શરીરમાં ઝેર હતું કે નહીં. જો ઝેરની પુષ્ટિ થશે તો ગુનાહિત કાવતરાની આશંકા વધુ મજબૂત બનશે. હાલમાં સાધ્વીના રહસ્યમય મોતે સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે.


