Get The App

'અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે', મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
'અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે', મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા 1 - image


J&K CM On India-Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શનિવારે (10 મે, 2025) ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર ભારતે સહમતિ દાખવી છે, ત્યારે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. આ મામલે ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનના નિર્ણયને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આવકાર્યો હતો. તેમણે કહ્યું કે, 'યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી, હું તેને દીલથી આવકારું છું. અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે...'

ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'જમ્મુ અને કાશ્મીર સરકારની જવાબદારી છે કે જ્યાં પણ નુકસાન થયું છે ત્યાં તેનું નિરીક્ષણ કરે. આ નુકસાનની અમે ભરપાઈ કરીશું. જ્યાં પણ લોકો ઈજાગ્રસ્ત થાય છે, તેમની યોગ્ય સારવાર થવી જોઈએ. તેમને સરકારી યોજનાનો લાભ પણ મળવો જોઈએ. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને રાહત આપો.'

ગોળીબારમાં થયેલા નુકસાન અંગે તેમણે કહ્યું કે, 'ગોળીબારમાં ઘણું નુકસાન થયું છે. જેમાં પૂંછમાં સૌથી વધુ અને રાજોરી, કંધારમાં પણ નુકસાન થયું છે. અધિકારીઓ નુકસાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. જ્યારે એરપોર્ટ બંધ છે, ત્યારે યુદ્ધવિરામ બાદ હવે એરપોર્ટ વહેલીતકે શરૂ કરવામાં આવશે અને હજ માટે લોકો જઈ શકશે.'

આ પણ વાંચો: VIDEO : ‘ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું’, ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શનિવારે (10 મે, 2025) ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે શનિવારે બપોરે 3.35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે.'

આ પણ વાંચો: પાકિસ્તાનના DGMOએ ભારતને ફોન કર્યો, બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ લાગુ: ભારતીય વિદેશ મંત્રાલય

શું હતી સમગ્ર ઘટના?

જમ્મી કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. જેમાં ગુરુવારે (8 મે, 2025) મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે 10 મેના રોજ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ અંગે જાણકારી આપી હતી. 

Tags :