Get The App

ભારત-પાકિસ્તાનના વિભાજન માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર : NCERTનું નવું મોડ્યુલ

Updated: Aug 16th, 2025

GS TEAM

Google News
Google News
NCERT Partition Module


NCERT Partition Module: ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી તો મળી, પણ આ આઝાદી સાથે ભાગલાનો કદી ન ભરાય એવો ઘા પણ મળ્યો, જે દર વર્ષે દેશના લોકો માટે દર્દ લાવે છે. ભાગલા દરમિયાન થયેલા હત્યાકાંડ અને લૂંટની ઘટનાઓએ કરોડો લોકોને અસર તો કરી જ, પણ તેમનું જીવન પણ હંમેશા માટે બદલી નાખ્યું. આ ભાગલાની પીડા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે, NCERTએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક નવો અભ્યાસક્રમ (મોડ્યુલ) બહાર પાડ્યો છે, જેમાં ભાગલા માટે જવાબદાર લોકો વિશે જણાવવામાં આવ્યું છે.

NCERTએ 14 ઓગસ્ટે ખાસ અભ્યાસક્રમ બહાર પાડ્યો

NCERTએ 14 ઓગસ્ટના રોજ Partition Horrors Remembrance Day (ભયાનક વિભાજન સ્મૃતિ દિવસ) નિમિત્તે આ ખાસ અભ્યાસક્રમ બહાર પાડ્યો હતો. આ અભ્યાસક્રમ અનુસાર, 1947માં થયેલા ભારત-પાકિસ્તાનના ભાગલાની અસર માત્ર તે સમયે જ નહીં, પણ વર્તમાનમાં પણ જોવા મળે છે, જેમાં પાકિસ્તાન સાથેના બગડતા સંબંધો, PoK વિવાદ અને સંરક્ષણ બજેટમાં થતો વધારો મુખ્યત્વે જોઈ શકાય છે.

NCERTનો નવો અભ્યાસક્રમ રસપ્રદ

આઝાદ ભારતમાં એવું પહેલી વાર થયું છે કે ભાગલાની પીડા વિશે સત્તાવાર રીતે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી રહી છે. NCERTનું નવું મોડ્યુલ ભારત-વિભાજન માટે ઇતિહાસના ત્રણ મોટા નામોને જવાબદાર ગણે છે: પહેલું નામ પાકિસ્તાનના પિતા ગણાતા મોહમ્મદ અલી ઝીણા, બીજું નામ કોંગ્રેસ અને ત્રીજું નામ લોર્ડ માઉન્ટબેટન.

NCERTના મોડ્યુલ મુજબ, મોહમ્મદ અલી ઝીણાની અલગ દેશ પાકિસ્તાન બનાવવાની માગણી સામે કોંગ્રેસ પાર્ટીએ ઝૂકી જવાનું સ્વીકાર્યું અને ત્યારબાદ લોર્ડ માઉન્ટબેટન દ્વારા ભાગલાની આખી પ્રક્રિયા ખૂબ જ ઉતાવળમાં પૂરી કરવામાં આવી.

શું ભારતના ભાગલા જરૂરી હતા?

NCERTના આ નવા અભ્યાસક્રમમાં એ મુદ્દા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે કે શું ભારતના ભાગલા પાડીને નવો દેશ પાકિસ્તાન બનાવવો જરૂરી હતો. અભ્યાસક્રમ કહે છે કે તે પરિસ્થિતિઓમાં ભારતના ભાગલા જરૂરી ન હતા, પણ ખોટા વિચારો અને સંજોગોને કારણે આ ભાગલા પડ્યા. ઝીણાની પાકિસ્તાનની જીદ સામે કોંગ્રેસે ઝૂકી જઈને તેને સ્વીકાર્યું અને તેને દેશને ગૃહયુદ્ધથી બચાવવાનો શાંતિપૂર્ણ માર્ગ ગણાવાયો, જોકે મહાત્મા ગાંધીએ આ ભાગલાનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: લગ્નનો વાયદો કરી શારીરિક સંબંધ બાંધવા એ દુષ્કર્મ ગણાય, દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

માઉન્ટબેટને આઝાદીની તારીખ બદલી

ઝીણાની પાકિસ્તાનની જીદ અને કોંગ્રેસના ઝૂકી ગયા પછી, લોર્ડ માઉન્ટબેટન પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં અંગ્રેજો દ્વારા ભારત છોડવાની પ્રક્રિયા જલ્દી પૂરી કરવા માગતા હતા. જેના કારણે તેમણે આઝાદીની નક્કી થયેલી તારીખ જૂન 1948ને બદલીને નવી તારીખ 15 ઓગસ્ટ, 1947 નક્કી કરી. માઉન્ટબેટને ઉતાવળમાં આઝાદીની તારીખ બદલતાં લોકોમાં ખોટો સંદેશ ગયો, જેના કારણે ભાગલાની પ્રક્રિયામાં ગડબડ થઈ અને લાખો લોકો હિંસાનો ભોગ બન્યા. NCERTનો નવો અભ્યાસક્રમ કહે છે કે માઉન્ટબેટને કરેલી ઉતાવળને કારણે સર્જાયેલી ગડબડ ભાગલાની દુર્ઘટનાના મુખ્ય કારણોમાંથી એક હતી.

ભારત-પાકિસ્તાનના વિભાજન માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર : NCERTનું નવું મોડ્યુલ 2 - image

Tags :