લગ્નનો વાયદો કરી શારીરિક સંબંધ બાંધવા એ દુષ્કર્મ ગણાય, દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
Having Sexual Relations by Promising Marriage is Rape: દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી છતાં પણ ખોટા વાયદા કરીને કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે બળાત્કારનો ગુનો ગણાય છે. ઉલ્લેખનીય છે કે આ એક ગંભીર ગુનો ગણાય છે અને તે હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષ કે પછી ઉમરકેદ તથા અતિ દુર્લભ મામલે ફાંસીની સજાની પણ જોગવાઈ છે.
લગ્નનો વાયદો કરી શારીરિક સંબંધ બનાવવા એ દુષ્કર્મ ગણાય
આ કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને રદ કરીને નિર્દોષ જાહેર થયેલા આરોપીને દોષિત ઠેરવ્યો છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચે સ્પષ્ટ કર્યું કે, 'ફક્ત શારીરિક સંબંધોનો ફાયદો ઉઠાવવા માટે લગ્નનું ખોટું વચન આપવું, જે પૂરૂ કરવાનો કોઈ ઈરાદો ન હોય, તે કાયદા હેઠળ બળાત્કારની શ્રેણીમાં આવે છે.'
શું છે મામલો?
આ કિસ્સામાં, એક વ્યક્તિ પર એક મહિલા સાથે લાંબા સમય સુધી વારંવાર શારીરિક સંબંધ બાંધવાનો અને દર વખતે જલ્દી લગ્ન કરવાનો વાયદો કરવાનો આરોપ હતો. નીચલી અદાલતે આરોપીને એ આધાર પર નિર્દોષ જાહેર કર્યો હતો કે ફરિયાદ ઘટનાના અઢી વર્ષ પછી દાખલ થઈ હતી, પીડિતાએ તરત ફરિયાદ કરી નહોતી, મેડિકલ પુરાવા મળ્યા નહોતા અને ધમકી માટે જણાવેલ અશ્લીલ વીડિયો પણ મળ્યા નહોતા.
જોકે, દિલ્હી પોલીસે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પીડિતાએ જણાવ્યું કે, આરોપીના સતત લગ્નના વાયદા અને અશ્લીલ વીડિયો વાઈરલ કરવાની ધમકીને કારણે તેણે અમુક સમય સુધી સંબંધ ચાલુ રાખ્યા. પાછળથી, આરોપીએ એમ કહીને લગ્ન કરવાનો ઇનકાર કર્યો કે તેનો પરિવાર રૂઢિચુસ્ત છે અને આંતરજાતીય લગ્નને મંજૂરી આપતો નથી, જ્યારે પીડિતા બીજી જાતિની છે.
આરોપીનો લગ્ન કરવાનો ઈરાદો ભ્રામક હતો
આ મામલે હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, આરોપીને શરૂઆતથી જ પીડિતાની જાતિ વિશે જાણ હતી. જ્યારે તેણે પછીથી જાતિના તફાવતને નકારનું કારણ બનાવ્યું, તો તે સ્પષ્ટ થઈ ગયું કે તેને શરૂઆતથી જ આ અવરોધનો ખ્યાલ હતો. આથી, લગ્ન કરવાનો તેનો ઈરાદો ભ્રામક હતો, કારણ કે તે જાણતો હતો કે તેનો પરિવાર આ લગ્નને સ્વીકારશે નહીં.
અદાલતે એ પણ કહ્યું કે, આવા કિસ્સાઓમાં ફરિયાદ દાખલ કરવામાં થતો વિલંબ ઘણીવાર ધમકી, ડર અને સામાજિક કલંકને કારણે હોય છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. જણાવી દઈએ કે દુષ્કર્મના કેસમાં આરોપ સાબિત થાય તો 10 વર્ષ કે ઉંમરકેદની સજાની જોગવાઈ છે.